મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના આવેલા બંગલાની નજીક રસ્તા પર ઊભેલી શંકાસ્પદ સ્કોર્પિયોમાંથી વિસ્ફોટકો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવને પગલે સ્થાનિક પોલીસ, ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડના સ્ટાફ સાથે ક્રાઇમ બ્રાન્ચ, એટીએસના અધિકારીઓ તપાસ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિસ્ફોટકોને નિષ્ક્રિય કરવા માટે ગિરગામ ચોપાટી ખાતે લઇ જવામાં આવ્યા હતગામદેવી પોલીસ સ્ટેશનની હદમાં ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના બંગલા એન્ટિલિયાથી થોડે દૂર કારમાઇકલ રોડ પર ગુરુવારે સાંજના શંકાસ્પદ સ્કોર્પિયો મળી આવી હતી. સ્કોર્પિયો ત્યાં ઘણા સમયથી ઊભી હતી. અંબાણીના સિક્યુરિટી સ્ટાફની નજર સ્કોર્પિયો પર પડ્યા બાદ તેની જાણ પોલીસને કરવામાં આવી હતી. આથી પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને આખા વિસ્તારને કોર્ડન કર્યો હતો.બાદમાં બોમ્બ સ્કવોડની મદદથી સ્કોર્પિયોમાં તપાસ કરવામાં આવતાં તેમાંથી કેટલીક જીલેટિન સ્ટિક્સ મળી આવી હતી. દરમિયાન ઘટનાસ્થળે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા. પોલીસ સ્કોર્પિયોના માલિક વિશે માહિતી મેળવી રહી હોઇ તેને અહીં કોણ લાવ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. એ સિવાય ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસમાં આવી રહ્યા છે. દરમિયાન આ પ્રકરણની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. નોંધનીય છે કે આ અગાઉ પણ અંબાણીને ધમકીભર્યો પત્ર પાઠવવામાં આવ્યો હતો. આ પત્ર તેમની ઓફિસે પાઠવાયો હતો, જેને પગલે તેમની સિક્યુરિટી વધારવામાં આવી હતી.