રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા આજથી ત્રણ દિવસીય વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તહેવારને હિન્દુ કેલેન્ડર અનુસાર પ્રતિષ્ઠા દ્વાદશી નામ આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે અયોધ્યા પહોંચ્યા હતા. આજે રામલલાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેમાં રામલલાનો પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો. સીએમ યોગીએ મહાભિષેક કરીને 3 દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. જણાવી દઈએ કે આ વર્ષે પ્રતિષ્ઠા દ્વાદશી પર્વ મુહૂર્ત મુજબ ઉજવવામાં આવી રહ્યો છે.રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ અયોધ્યામાં ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. જેમાં રામલલાને દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી અભિષેક કર્યા પછી ગંગાજળથી સ્નાન કરાવ્યું હતું. આ પછી રામલલાને પીળા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા અને ઘરેણાંથી શણગારવામાં આવ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું- રામ મંદિર વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં મદદ કરશે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આજે 2 લાખ ભક્તો રામલલાના દર્શન કરશે. તેમજ 11 થી 13 જાન્યુઆરી સુધી પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે. આ 3 દિવસની ઉજવણી દરમિયાન કોઈ વીઆઈપીના દર્શન નહીં થાય. તેમજ સવારે 6.30 થી 9.30 સુધી સામાન્ય દર્શન ચાલુ રહેશે.
પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યામાં ઉત્સવ: રામલલાનો પંચામૃત અભિષેક, યોગીએ કરી પૂજા
Date: