રાજકોટ : ગુજરાતની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફરી ટિકિટ નહીં આપે તેવો ઘાટ ઘડાઈ ગયો છે. ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ વિજય રૂપાણીને પંજાબ અને ચંદગઢના પ્રભારી બનાવી ગુજરાતથી જ દૂર કરવાનો ગેમ પ્લાન બનાવી લીધો છે. આમેય રાજકોટમાં જૂથવાદના લબકારામાં વિજય રૂપાણીનું નામ મોખરે છે ત્યારે ગુજરાતની ચૂંટણીમાં ખલેલ ન પહોંચે તે માટે રાષ્ટ્રીય સ્તરે તો મોટો હોદ્દો આપી દીધો પણ ગુજરાતમાં ચૂંટણી ન લડી શકે તે માટેનો પણ પ્રયાસ કર્યો છે. હવે ફરી તેમને ગુજરાતની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે તેવા કોઈ અણસાર દૂર સુધી દેખાતા નથી. રૂપાણીની સંગઠનમાં પકડ સારી છે પણ હવે તેમને ટિકિટથી દૂર રાખવા ભાજપ તેને રાષ્ટ્રીય સ્તરે લઇ જવા માગે છે. આગામી ચૂંટણીમાં રૂપાણીના નજીકના કે તેમના જૂથના કોઈપણ વ્યક્તિ સૌરાષ્ટ્ર ગુજરાતની ચૂંટણીમાં ચંચુપાત ન કરી શકે અને રૂપાણી પંજાબમાં વ્યસ્ત રહે તે રીતે ભાજપે માસ્ટર પ્લાન કર્યો હોય તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. સવા વર્ષ સુધી રૂપાણી પાસે એકપણ મોટો હોદ્દો હતો નહીં અને ચૂંટણી સાવ નજીક આવે અટલે તેમને ગુજરાત બહારની જવાબદારી સોંપી દેતા અનેક તર્ક જોવા મળી રહ્યા છે.વિજય રૂપાણી નરેન્દ્ર મોદી પછી ગુજરાતમાં બીજેપીના બીજા મુખ્યમંત્રી બન્યા હતા જેમણે સત્તામાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા. જોકે તેમની ભાષા સતત ચર્ચામાં રહેતી હતી. ગુજરાતમાં ગુજરાતી માંડ બોલી શકતા હોવાને લઈને સતત ચર્ચામાં રહેતા હતા. આ સાથે જ તેમનું હિન્દીમાં બોલવાને લઈને પણ કેન્દ્ર સ્થાને રહેતા હતા. હવે ભાજપે રૂપાણીને પંજાબ-ચંદીગઢના પ્રભારી બનાવ્યા છે. ત્યારે રૂપાણી પંજાબ-ચંદીગઢમાં કેવી રીતે વાત કરશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા તેની પાછળ રાજકોટનો સિંહફાળો છે. કારણ કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ રાજકોટની પશ્ચિમ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. આ બેઠક ભાજપ માટે લક્કી છે. જે અહીંથી ચૂંટણી લડે તે મુખ્યમંત્રી કે વડાપ્રધાન બન્યા છે. તેમજ સૌથી વધુ વખત ગુજરાતના નાણામંત્રી તરીકે રહી ચૂકેલા વજુભાઈ વાળા પણ આ બેઠક પરથી જ ચૂંટાઈ આવ્યા હતા. વજુભાઈએ બેઠક ખાલી કરીને વિજય રૂપાણીને આ બેઠક પરથી ચૂંટી લાવ્યા હતા. આમ ભાજપ માટે આ સેઇફ બેઠક ગણાય છે. પરંતુ હવે વિજયભાઈને ટિકિટ નહીં મળે તો કોને ટિકિટ અપાશે તેવી રાજકીય ચર્ચા પણ થઈ રહી છે. સૌથી પહેલા રાજકોટના ડેપ્યુટી મેયર દર્શિતા શાહનું નામ મોખરે છે અને પછી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને કશ્યપ શુક્લનું નામ ચર્ચાઇ રહ્યું છે.રાજકોટની પશ્ચિમ બેઠક લોહાણા વાણિયા અને બ્રાહ્મણની વધુ માનવામાં આવે છે.આ વર્ગના વધુ મતદારો છે. પરંતુ જો પાટીદાર કાર્ડ ભાજપ રમે તો વર્તમાન સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલનું નામ પણ આ બેઠક પર ચર્ચામાં છે. અગાઉ કોંગ્રેસ કડવા પાટીદારને આ બેઠક પરથી લડાવી ચૂકી છે. જો ભાજપ પણ કડવા પાટીદાર ઉમેદવારની પસંદગી કરે તો પુષ્કર પટેલનું નામ પણ આગળ આવે.