નવી દિલ્હી : ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે ત્યારે સરકાર આયાત પર આકરા નિયંત્રણો લાદી રહી છે જેના કારણે ચાલુ ખાતાની ખાધ કાબુમાં રહે. છેલ્લા કેટલાક સમયથી સરકાર ચાલુ ખાતાના ખાદ્યનો લક્ષ્યાંક વટાવી ચૂકી છે જેને કાબુમાં રાખવા માટે સરકારે સૌ પ્રથમ સોના પર વધુ 5 ટકા ડ્યૂટી વધારી 15 ટકા કરી દીધી છે જેના કારણે સ્થાનિક બજારમાં સોનાની કિંમતોમાં વધારો થશે. ભારતીય બજારમાં અત્યારે સોનાની કિંમત પ્રતી 10 ગ્રામ સરેરાશ રૂ.52500 આસપાસ છે જેના પર 5 ટકા ડ્યૂટીના ભારણથી સરેરાશ રૂ.2500નો વધારો થઇ શકે છે. રથયાત્રાના કારણે બજારો બંધ હતા પરંતુ બંધ બજારે અમદાવાદમાં સોનું 10 ગ્રામ દીઠ રૂ.54000 ઉપર ક્વોટ થતુ હતું.સોનાની ડ્યૂટીમાં વધારાનો અમલ 30 જૂનથી એટલે કે તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવ્યો છે. સરકારે સોનાની આયાત ડ્યુટી 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી છે. પહેલા સોના પર મૂળભૂત આયાત ડ્યુટી 7.5 ટકા હતી હવે તે 12.5 ટકા થશે. 2.5 ટકાના એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ સાથે અસરકારક ગોલ્ડ આયાત ડ્યુટી 15 ટકા રહેશે. સોનાની આયાતમાં છેલ્લા કેટલાક સમયથી વધારો થઇ રહ્યો છે. મે મહિનામાં કુલ 107 ટન સોનાની આયાત કરવામાં આવી હતી અને જૂનમાં પણ આયાત નોંધપાત્ર રહી છે.ભારતીય રિઝર્વ બેંક (RBI) એ યેલો મેટલ્સ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું અને આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન 8 ટનની ખરીદી કરી હતી. મધ્યસ્થ બેંકે 2017ના અંતથી સોનું ખરીદવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં 200 ટનની ખરીદી કરી છે. ભારત ઉપરાંત વિશ્વની અન્ય સેન્ટ્રલ બેન્કોએ પણ સોનાનું રિઝર્વ વધારી રહ્યાં છે.નાણાંકિય કટોકટી, વૈશ્વિક સ્લોડાઉન તથા જિયો પોલિટીકલ ઇશ્યુના કારણે ભારતીય શેરબજારમાં જાન્યુઆરી માસથી સતત નેગેટિવ ટ્રેન્ડ અને વોલેટાલિટીની સ્થિતી સર્જાઇ છે જેના કારણે રોકાણકારો ઇક્વિટીના બદલે સલામત રોકાણ એવા સોનાને અપનાવ્યું છે. જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસીકમાં સોનામાં રોકાણ 5 ટકા વધી 41.3 ટન રહ્યું છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 39.3 ટન નોંધાયું હતું.ડ્યૂટીના ભારણથી દેશમાં સોનાની કિંમતોમાં તેજી આવશે જેના કારણે રિસાયક્લિંગ પ્રમાણ વધુ વધી શકે છે. ચાલુ વર્ષના પહેલા ક્વાર્ટરમાં 88 ટકા વઘી 27.8 ટન પહોંચ્યું છે જે અગાઉના વર્ષે 14.8 ટન રહ્યું હતું. રિસાયક્લિંગમાં 13 ટનનો વધારો થયો હતો. સોનામાં વધુ તેજી આવશે તો રોકાણકારોએ 40000થી અંદરના ભાવે ખરીદી કરી છે તેઓનું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે.
સોનાની આયાત ડ્યૂટી 5% વધારી 15% કરાઇ, દસ ગ્રામ દીઠ સરેરાશ રૂ.2500થી વધુનો ગ્રાહકો પર બોજ
Date: