વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી. અને CBSEની પરીક્ષા રદ્દ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે કેમ તે મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં બોર્ડની પરીક્ષાની ફેર વિચારણા અંગે ચોક્કસ નિર્ણય લેવામાં આવી શકે છે. ગઈકાલે(મંગળવાર) 5 વાગ્યે ગુજરાત બોર્ડે ઉતાવળમાં CBSEની પરીક્ષાના નિર્ણયની રાહ જોયા વિના જ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું છે. આ ટાઈમ ટેબલ જાહેર થયાના બે કલાક બાદ કેન્દ્ર સરકારે CBSEની પરીક્ષા રદ કરતા સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે હવે ગુજરાત બોર્ડની પરીક્ષાનું શું થશે? ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડમાં આ મામલે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે મળનારી કેબિનેટની બેઠકમાં વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં લઈને કોરોનાની હાલની પરિસ્થિતિ સમીક્ષા, વાલી, વિદ્યાર્થીઓ તથા સંકૂલ સંચાલકોના મંતવ્યોના આધારે ફેર વિચારણા કરવામાં આવે એવી શક્યતાઓ છે.