
ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલપાથલ અને ઉત્સુકતાના માહોલ વચ્ચે આજે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ હતી. જો કે, અપેક્ષાથી વિપરીત 21 મંત્રીએ શપથ લીધા હતા, પરંતુ અગાઉના મંત્રીમંડળના 4 મંત્રીના રાજીનામાનો અસ્વીકાર કરાયો છે, જેમાં ઋષિકેશ પટેલ (અગાઉના આરોગ્ય મંત્રી), કુંવરજી બાવળિયા (અગાઉના પાણી પુરવઠામંત્રી), કનુભાઈ દેસાઈ (અગાઉના નાણામંત્રી) અને પરસોત્તમ સોલંકી (અગાઉના મત્સ્યોદ્યોગ અને પશુપાલન, રાજ્યમંત્રી) સામેલ છે રાજકીય વિશ્લેષકોના મતે, આ તમામ મંત્રીઓ અગાઉના મંત્રીમંડળમાં મુખ્ય અને મહત્ત્વના વિભાગો સંભાળતા હતા. આ ચારેય નેતાઓને નવા મંત્રીમંડળમાં એ જ દરજ્જાનું મંત્રીપદ આપવાનું નક્કી હોવાથી તેમના રાજીનામા સ્વીકારાયા ન હતા. જો કે, તેમના પોર્ટફોલિયો (વિભાગો) બદલાઈ પણ શકે છે અને યથાવત્ પણ રહી શકે છે, જેની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. આજે (17 ઑક્ટોબર) સાંજે પાંચ વાગ્યે કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓના પોર્ટફોલિયો જાહેર કરાઈ શકે છે.


