સુરત : શ્રદ્ધા હત્યા કેસમાં નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જેમાં 26 વર્ષીય મહિલાની તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ તેના દિલ્હીના ફ્લેટમાં હત્યા કરી હતી. પોલિગ્રાફ સેશન, બહુપ્રતિક્ષિત નાર્કો ટેસ્ટ અને પૂછપરછ વચ્ચે પોલીસ હવે આરોપી આફતાબ સામે ડ્રગ્સના સેવનના આરોપોની તપાસ કરશે. આફતાબ જે હાલમાં તિહાર જેલમાં બંધ છે અને સીસીટીવીની દેખરેખ હેઠળ છે. તે કથિત રીતે ડ્રગ્સનું સેવન કરતો હતો. ગુજરાત પોલીસે સુરતમાંથી ડ્રગ્સ પેડલર ફૈઝલ મોમીનની ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે, તે આફતાબને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. તે મુંબઈમાં વસઈ વેસ્ટમાં રહેતો હતો, જ્યાં શ્રદ્ધા સાથે દિલ્હી શિફ્ટ થવા પહેલા આફતાબ ભાડે રહેતો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વસઈ પોલીસની તપાસમાં આફતાબ અનેક વખત ફૈઝલ મોમિન અને તેના વિસ્તારમાં ગયો હોવાની જાણકારી સામે આવી છે. ફૈઝલ અને આફતાબના અનેક કોમન ફ્રેન્ડ છે. ગુજરાત પોલીસ હવે ફૈઝલના કોલ રેકોર્ડની તપાસ કરશે જેથી આફતાબ તેના સંપર્કમાં કેવી રીતે હતો. ઉલ્લેખનીય છે કે, આફતાબ અને શ્રદ્ધાના ઘણા મિત્રોએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે કે, આફતાબ ડ્રગ્સનું સેવન કરતો હતો. અગાઉ અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે, આફતાબ ડ્રગ એડિક્ટ હતો. તેણે પોલીસ પૂછપરછમાં એવી પણ કબૂલાત કરી છે કે તે ચરસ અને ગાંજાનું સેવન કરતો હતો અને તેને ડ્રગ્સની લત હતી. આફતાબ કથિત રીતે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આખી રાત મૃતદેહની બાજુમાં બેસી રહ્યો અને ગાંજો પીતો રહ્યો. તે એક ટ્રેન્ડ શેફ છે તેણે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના શરીરના 35 ટુકડા કર્યા હતા.