
ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ રહી છે. જોકે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ જાણે ગુજરાતમાંથી શિયાળાને એકાએક વિદાય લીધી હોય તેવા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંત સુધી શિયાળાની ઋતુ માનવામાં આવે છે. હવે જ્યારે શિયાળાનો અંત નજીક આવ્યો છે, ત્યારે તાપમાનમાં વધારો થયો છે. જો કે, દર વર્ષે શિયાળાની વિદાય સમય બેવડી ઋતુનો અનુભવ થતો હોય છે. કારણ કે, શિયાળા બાદ ઉનાળાની ગરમી દિવસે સતાવે છે, જ્યારે રાત્રે શિયાળાને કારણે ઠંડકનો અનુભવ થતો હોય છે. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ ગરમીનું પ્રમાણ વધ્યું છે.હવામાન વિભાગ દ્વારા 24 કલાક બાદ ગરમીથી રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે, જેથી ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીમાંથી અંશત રાહત મળી શકે છે. આજનો દિવસ દરિયાકાંઠા વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. તથા લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન ધીમે-ધીમે ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. આગામી 24 કલાક રાજ્યભરમાં મહત્તમ તાપમાન યથાવત્ રહેશે. ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. તેનું મુખ્ય કારણ છે કે, પશ્વિમ રાજસ્થાનના ભાગો ઉપર એક સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તથા તેનાથી ઇન્ડ્યુસ ટ્રફ ઉત્તર પૂર્વ અરબસાગર તરફ સક્રિય થયું છે, જેને કારણે ગુજરાતના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. જેને કારણે ગુજરાતવાસીઓને ગરમીથી અંશત રાહત મળવાની શક્યતાઓ છે.ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજવાળા પવનો ફૂંકાતા બફારાનો અનુભવ થઈ રહ્યો છે. તેવામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાનનો પારો ઉચકાયો છે. ગતરોજના પાંચ શહેરોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 38.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ મહાનગરોમાં પણ તાપમાનનો પારો સામાન્ય કરતા વધુ રહ્યો હતો. જેમાં અમદાવાદ અને વડોદરા શહેરનું મહત્તમ તાપમાન 36.8, સુરતનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આજનો દિવસ દરિયાકાંઠા વિસ્તારમાં યલો એલર્ટ :
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવનો બફારો સર્જી શકે છે, જેથી હજુ પણ આજના દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ ધીરે-ધીરે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આગામી 24 કલાક દરમિયાન વાતાવરણ શુષ્ક રહેવાની સાથે છુટાછવાયા વાદળો દેખાઈ શકે છે. જે વાતાવરણના ઉપરીસ્તરમાં રહેશે તથા લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 37° cની આસપાસ રહેવાની શક્યતાઓ છે.