Gujarat : રાજ્યમાં યોજાનાર જન્માષ્ટમી અને ગણેશોત્સવના પર્વ નિમિત્તે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. સૌપ્રથમ જન્માષ્ટમીના પર્વની વાત કરીએ તો, 8 મહાનગરોમાં 30 ઓગસ્ટે એટલે કે જન્માષ્ટમીની રાત્રે નાઇટ કર્ફ્યૂમાં 2 કલાકની વધુ છૂટ અપાઇ છે. એટલે કે 8 મહાનગરોમાં રાત્રીના 11ના બદલે 1 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂમાં છૂટ અપાશે.તો મંદિર પરિસરમાં એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શનની છૂટ અપાઇ છે. તો દર્શન કરતી વખતે દર્શનાર્થીઓએ SOPનું ફરજિયાત પાલન કરવું પડશે. સાથે જ મંદિર સંચાલકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે વ્યવસ્થા કરવી પડશે. તો જન્માષ્ટમીના પર્વે રાજ્યમાં લોકમેળા નહીં યોજી શકાય. તો મટકી ફોડના આયોજન પર પણ પ્રતિબંધ મુકાયો છે.સાર્વજનિક ગણેશોત્સવ સ્થળે પ્રસાદ વિતરણ અને પૂજા-આરતીની છૂટ અપાઇ છે. જોકે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ લગાવાયો છે. આ સિવાય ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોને એક વાહન સાથે છૂટ અપાઇ છે.હાલ તો ગણેશોત્સવ અને જન્માષ્ટમીના પર્વને લઇને સરકારે આપેલી છુટછાટથી ઉત્સાહનો માહોલ છે. અને, આયોજકો સહિત લોકોએ પર્વની ઉજવણીને લઇને તૈયારીઓ આરંભી દીધી છે.