ચોમાસાએ વિદાય લેતા લેતા વરસાદે ફરીથી દેશભરના કેટલાક રાજ્યોબે તરબતોળ કરી નાંખ્યા છે. ક્યાંક આ વરસાદ રાહત આપી રહ્યો છે તો ક્યાંક જીવલેણ બની ગયો છે. કેરળમાં સતત વરસાદના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અહીં પૂર અને ભૂસ્ખલનને કારણે કુલ 27 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 8 લોકો ગુમ છે. કેરળના કોટ્ટાયમ જિલ્લામાં ગઈ સાંજે પૂરમાં એક આખું ઘર તણાઇ ગયું હતું. રસ્તા પર ઉભેલા લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. અકસ્માત સમયે ઘરમાં કોઈ નહોતું. કોઈને પણ કોઈ જાનહાની થયાના સમાચાર નથી.કેરળમાં રવિવારે વરસાદનું જોર થોડું ધીમું પડ્યું, પરંતુ પછી થોડો સમય વિનાશકારી વરસાદ પડતા જ ભૂસ્ખલનની દર્દનાક તસવીર સામે આવી. અહીં વરસાદને લગતી વિવિધ ઘટનામાં અત્યાર સુધી 27 લોકોના મોત થઈ ચૂક્યા છે. કેરળના કોટ્ટાયમ જિલ્લામાં પૂરમાં એક આખું ઘર તણાઇ ગયું હતું.આ ઉપરાંત અનેક જિલ્લામાં કેટલાક લોકો લાપતા પણ છે. અહીં થલ સેના, વાયુસેના, નૌસેના તેમજ એનડીઆરએફનું બચાવ અભિયાન ચાલુ છે. એનડીઆરએફએ આઠ મહિલા અને સાત બાળક સહિત 33 લોકોને બચાવીને સુરક્ષિત સ્થળે મોકલ્યા છે. હવામાન વિભાગના મતે, કેરળમાં એક-બે દિવસમાં વરસાદનું જોર ઘટશે.સંરક્ષણ PROએ જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ અને મેડિકલ એકમો સાથે કન્નૂરથી સેનાના જવાનોની ટીમ બચાવ કામગીરી માટે વાયનાડ પહોંચી ગઈ છે. સેના તરફથી અત્યાર સુધીમાં કુલ 3 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. રાહત સામગ્રી સાથે નેવી હેલિકોપ્ટર દ્વારા વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એરફોર્સ સ્ટેશન શંગમુઘમ ખાતે બે એરફોર્સ હેલિકોપ્ટર MI-17 સ્ટેન્ડબાય પર છે.