ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવા લાગતાં જ ધંધા-રોજગાર સહિત બજારો ખૂલવા લાગ્યાં છે. પરિણામે, ઉત્સવ પ્રિય અને હરવાફરવા અને જમવાના શોખીન ગુજરાતીઓ બિનધાસ્ત બની મોજમજા કરી રહ્યા છે. એ જોતાં ત્રીજી લહેરનો ડર પણ વધવા લાગ્યો છે. આ સંજોગોમાં જો જનતા કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન નહીં કરે તો ફરી એકવાર ગુજરાતની પ્રજાએ નવરાત્રિ અને દિવાળી ઘરમાં જ કરવી પડશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ચેતવણી આપી છે કે દેશભરનાં કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસ બીજી લહેર બાદ ફરી એકવાર વધવા લાગ્યા છે, જેને કારણે દેશમાં નોંધાતા દૈનિક કેસની સંખ્યા પણ વધી રહી છે. એવામાં રાજ્યમાં જો કોરોનાના કેસ વધશે તો રાજ્ય સરકાર નિયંત્રણો ફરી કડક કરી દેશે. એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, તેથી નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં આવી છે. એવામાં જો રાજ્યમાં પણ કોરોનાના કેસ વધશે તો નિયંત્રણો ફરીથી લાદવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી.મુખ્યમંત્રીએ ઈશારામાં ચીમકી આપી છે કે બેફામ બની કોરોના સંબંધિત નિયમોનો ભંગ થયો, જાહેર જગ્યાઓએ તહેવાર સમયે ભીડ થઈ અને ફરીથી કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું તો રાજ્ય સરકારે જે છૂટછાટો આપી છે એને પરત લઈ લેશે અને કડક નિયમો લાગુ કરી દેશે.આગામી દિવસોમાં ગુજરાતમાં જન્માષ્ટમી, ગણેશોત્સવ, રક્ષાબંધન, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે અને છેલ્લા દોઢ વર્ષથી લોકડાઉન અને પ્રતિબંધોને કારણે તહેવારો મનાવી શકાયા નથી, હાલ ગુજરાતમાં કોરોના કાબૂમાં આવી ગયો છે અને વિશ્વભરમાં ત્રીજી લહેરની શરૂઆત થવા લાગી છે. એવા સમયે ગુજરાતમાં જો કોરોના ગાઈડલાઈન્સનો પ્રજા સ્વયં અમલ નહીં કરે તો ફરી એકવાર કોરોના ફૂંફાડો મારી શકે છે.
કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન નહીં કરીએ તો ફરી જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી ઘરમાં જ ઊજવવી પડશે: વિજય રૂપાણી
Date: