છેલ્લા દોઢ વર્ષથી ગૌતમ અદાણી અને સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ તેમની 6 કંપની ચર્ચામાં રહી છે. જે પ્રકારે ગૌતમ અદાણીની નેટવર્થ વધી રહી છે એ જોઈને લોકો એવી પણ ચર્ચા કરતા થયા છે કે તેઓ મુકેશ અંબાણીની બરોબરી પણ કરી લેશે. જોકે અદાણી ગ્રુપમાં ઇન્વેસ્ટ કરી રોકાણકારોને તગડું વળતર મળી રહ્યું છે, પરંતુ માર્કેટ કેપિટલાઈઝેશનના મામલે અદાણી ગ્રુપ રિલાયન્સ કરતાં ઘણું જ પાછળ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પરથી આંકડા મેળવી એનું એનાલિસિસ કરતાં જાણવા મળ્યું કે ગૌતમ અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપ રૂ. 7.11 લાખ કરોડ છે, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 13.77 લાખ કરોડ છે.બંને ગ્રુપની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન જોઈએ તો રિલાયન્સ કરતાં અદાણી ગ્રુપ ઘણું પાછળ છે. રિલાયન્સનું માર્કેટ કેપ અત્યારે રૂ. 13.77 લાખ કરોડ છે. એની સામે અદાણીની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 7.10 લાખ કરોડ છે. જોકે 2019થી અત્યારસુધીનો ગ્રોથ જોઈએ તો છેલ્લાં 3 વર્ષમાં રિલાયન્સનું માર્કેટ કેપ 59.37% વધ્યું છે, જ્યારે અદાણીનું માર્કેટ કેપ 352.22% વધ્યું છે.જૂન મહિનામાં નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે (NSDL) અદાણી ગ્રુપની કંપનીઓમાં 43,500 કરોડનું રોકાણ કરનાર ત્રણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)ના ખાતાં ફ્રીઝ કરી દીધાં છે એવા અહેવાલો આવ્યા બાદ અદાણીના સ્ટોક્સમાં ભારે ધોવાણ થયું હતું. આ જ કારણે ગ્રુપની માર્કેટ કેપમાં પણ ધોવાણ થયું છે. આ સમયે ગ્રુપનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 8 લાખ કરોડથી પણ વધારે હતું, જે એક તબક્કે ઘટીને રૂ. 7 લાખ કરોડની અંદર પહોંચી હતું, જોકે બાદમાં એમાં રિકવરી રહી છે.બોમ્બે સ્ટોક એક્સચેન્જની વેબસાઇટમાં બતાવ્યા મુજબ, રિલાયન્સ કરતાં અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણકારોને ઘણી જ સારી કમાણી થઈ છે. 52 સપ્તાહની સૌથી નીચી અને ઊંચી સપાટી જોઈએ તો રિલાયન્સના શેર 29.44%નો વધારો થયો છે. એની સામે અદાણી જૂથની કંપનીઓમાં 188%થી લઈને 945% જેવો ગ્રોથ થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 500%થી વધારેની વૃદ્ધિ થઈ છે.માર્કેટ કેપ હોય કે પછી શેરના ભાવમાં થયેલા વધારાના મામલે ગૌતમ અદાણીની કંપનીઓમાં છેલ્લા એક વર્ષમાં ભારે તેજી રહી છે, પરંતુ સંપત્તિ સર્જનમાં મુકેશ અંબાણી આજે પણ આગળ છે. ફોર્બ્સના ડેટા મુજબ ગૌતમ અદાણીની નેટવર્થ અત્યારે રૂ. 4.18 લાખ કરોડ છે, જ્યારે મુકેશ અંબાણીની નેટવર્થ રૂ. 6.14 લાખ કરોડ છે. અદાણીના વેલ્થ ક્રિએશનમાં છેલ્લાં બે વર્ષથી એનર્જી અને ગેસ બિઝનેસનું કન્ટ્રિબ્યુશન વધ્યું છે. એની સામે રિલાયન્સના ટેલિકોમ અને રિટેલ બિઝનેસને કારણે અંબાણીને ફાયદો થઈ રહ્યો છે.
એક વર્ષમાં ગૌતમ અદાણીની 6 લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપ મુકેશ અંબાણીની રિલાયન્સ કરતાં અડધું
Date: