મુંબઈમાં ચોમાસાનું એક દિવસ પહેલા જ આગમન, ઠેર-ઠેર પાણી ભરાતા મુંબઈકર મુશ્કેલીમાં મૂકાયા
મુંબઈ : મુંબઈમાં ચોમાસા એ શુભ પ્રવેશ કરી દીધો છે. ભારત વિજ્ઞાન હવામાન વિભાગ મુજબ, આવનારા 48 કલાક સુધી મુંબઈમાં આવા જ પ્રકારનો ભારે વરસાદ પડશે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રેન હવે મોડી ચાલી રહી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું જે અનુમાન લગાવવામાં આવ્યું હતું તેના એક દિવસ પહેલા જ ચોમાસાનું મુંબઈમાં આગમન થઈ ગયું છે. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, મુંબઈ મહાનગર ક્ષેત્ર અને કોંકણ ક્ષેત્રમાં આજથી 13 જૂનની વચ્ચે ભારે વરસાદ પડી શકે છે. પહેલા વરસાદમાં જ મુંબઈકર મુશ્કેલીમાં મૂકાયેલા જોવા મળ્યા. રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છેભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. મધ્ય રેલવેના સાયન સ્ટેશન પર ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ રેલવેએ રિલીફ ટ્રેનો અને કર્મચારીઓને અલર્ટ પર રહેવા માટે કહ્યું છે. નોંધનીય છે કે ભારે વરસાદ પડતાં ટ્રેક પર પાણી ભરાઈ જવાની સ્થિતિનો સામનો કરવા માટે અને લોકલ ટ્રેન સર્વિસને યોગ્ય રીતે સંચાલન કરવા માટે રેલવે તરફથી અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ભારે વરસાદની આશંકાની વચ્ચે દરિયામાં આજે 4.16 મીટરની હાઇ ટાઇડ આવવાની જાણકારી મળી છે. સવારે લગભગ 11:43 વાગ્યે દરિયામાં હાઇ ટાઇડ બનશે. આ દરમિયાન દરિયાની આસપાસ કોઈને પણ જવાની મંજૂરી નથી આપવામાં આવી. દર વર્ષે મુંબઈમાં ચોમાસાનું 10 જૂન બાદ જ થાય છે પરંતુ આ વર્ષે સમયથી પહેલા ચોમાસાના આગમનને શુભ માનવામાં આવે છે.