આજે સવારે 6થી રાતના 8 વાગ્યા સુધી ટ્રાન્સપોર્ટ અને બજારો બંધ રાખવાનું એલાન, 8 કરોડ વેપારીઓનું બંધને સમર્થન
મુંબઈ: ઇ-વે બિલ, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ને લઈને ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ 26 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. માર્ગ પરિવહન ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોટર્સ વેલ્ફેર એસોસિયેશન અને અન્ય સંગઠનોએ પણ બંધને ટેકો જાહેર કર્યો છેકેટના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે કહ્યું- શુક્રવારે દેશભરમાં 1,500 સ્થળ પર ધરણાં કરવામાં આવશે. બધાં બજારો બંધ રહેશે. 40 હજારથી વધુ વ્યાવસાયિક સંગઠનો સાથે સંકળાયેલા આશરે 8 કરોડ વેપારીઓ બંધને ટેકો આપી રહ્યા છે.કેટ અનુસાર, ગયા વર્ષે 22 ડિસેમ્બરે અને ત્યાર બાદ GST નિયમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. આમાં અધિકારીઓને વધુ સત્તા આપવામાં આવી હતી. હવે કોઈપણ અધિકારી કોઈપણ કારણોસર કોઈપણ વેપારી GST રજિસ્ટ્રેશન નંબર સસ્પેન્ડ અથવા કેન્સલ કરી શકે છે. બેંક ખાતાં અને સંપત્તિ પણ જપ્ત કરી શકે છે. ખાસ વાત એ છે કે આ કરતાં પહેલાં વેપારીને કોઈ નોટિસ આપવામાં આવશે નહીં. એ વેપારીઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.ઇ-વે બિલની મર્યાદા 100 કિ.મી.થી વધારીને 200 કિ.મી. કરવામાં આવી હોવાથી 1 જાન્યુઆરીથી અમલમાં આવેલા નવા ઇ-વે બિલ નિયમથી ટ્રાન્સપોર્ટર્સ અને વેપારીઓ ચિંતિત છે. ખરેખર 2021-22ના બજેટમાં ઇ-વે બિલની કલમ 129માં બદલાવ કરવામાં આવ્યો છે. તદનુસાર, જો બિલમાં કોઈ ભૂલ થાય છે તો પછી ટેક્સ અને પેનલ્ટી બંને વસૂલવામાં આવશે, સાથે જ જે ટેક્સ અગાઉ પરત કરવામાં આવતો હતો એ હવે થશે નહીં. જો અજાણતાં એક નાની ભૂલ થાય છે તો પેનલ્ટી અને દંડ બેગણો વસૂલવામાં આવશે