દુબઈ : ભારત અને પાક.રવિવારે ફરી એકવાર એશિયા કપમાં ટકરાશે. સુપર-4ની આ મેચ દુબઈમાં રાતના 7.30થી રમાશે. બંને ટીમો 7 દિવસમાં બીજીવાર એકબીજા સામે રમશે. આ વખતે પડકાર ભારત માટે પણ છે. ભારત માટે ટોપ ઓર્ડર ચિંતાનો વિષય છે. ઈજા બાદ કમબેક કરનાર રાહુલ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. રોહિત પણ મોટો સ્કોર નથી કરી શક્યો. કોહલી-સૂર્યકુમારે હોંગકોંગ સામે સારી ઈનિંગ્સ રમી હતી. બુમરાહ-હર્ષલની ગેરહાજરીમાં ટીમની બોલિંગ નબળી લાગે છે, આવેશ બંને મેચમાં મોંઘો સાબિત થયો. જોકે, તે પાક. સામેની મેચમાં બીમાર હોવાને કારણે રમી શકે તેમ નથી. તેના સ્થાને દીપક ચાહરને સામેલ કરાય તેવી શક્યતા છે.28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ મેચમાં જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. મેચમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાની શાનદાર બોલિંગના કારણે પાકિસ્તાન ટીમ માત્ર 147 રન જ બનાવી શકી હતી. ભારતની બેટિંગને જોતા આ સ્કોર આસાન લાગતો હતો, પરંતુ પાકિસ્તાનના બોલરો શરૂઆતમાં ઝટકા આપ્યા. જોકે, છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાની ભાગીદારીએ ભારતને જીત અપાવી હતી. નંબર 4 પર રમતા બેટ્સમેનોએ દરેક પરિસ્થિતિ માટે પોતાને તૈયાર રહેવાનું હોય છે. શક્ય છે કે ટીમની બે વિકેટ ત્યારે પડે, જ્યારે 150 રન બની ગયા હોય, અથવા સ્કોર 0/2 હોઈ શકે છે. જે બેટ્સમેન દબાણને હેન્ડલ કરવાની વધુ ક્ષમતા ધરાવે છે, તે નંબર-4 પર વધુ સફળ રહ્યો થાય છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા સૂર્યકુમારે ઘણી પ્રેશર મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. તેઓ સ્થાનિક ક્રિકેટમાં પણ વધુ સારી રીતે પ્રેશરને હેન્ડલ કરવા માટે જાણીતા છે. હોંગકોંગ સામેની મેચમાં પણ જ્યારે રોહિત શર્મા અને કેએલ રાહુલનું બેટ ચાલ્યુ નહી ત્યારે સૂર્યાએ જ ટીમને જોખમમાંથી બહાર કાઢી હતી અને 26 બોલમાં 261ના સ્ટ્રાઈક રેટથી 68 રન બનાવ્યા. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ટોપ-3ના પ્રદર્શનને જોતા આ ખેલાડી ઘણી બધી અપેક્ષાઓ રહેશે.બંને ટીમો વચ્ચે સુપર-4 રાઉન્ડની મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી મેચ શરૂ થશે. જ્યારે, મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા ટોસ ઉછાળવામાં આવશે. ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર પ્રશંસકો મેચનું જીવંત પ્રસારણ જોઈ શકશે. એશિયા કપમાં દુબઈની પીચ પર અત્યાર સુધી રમાયેલી મેચોમાં શરૂઆતની ઓવરોમાં રન બનાવવા ખૂબ મુશ્કેલ છે. જ્યારે, છેલ્લા પાંચ-છ ઓવરોમાં સિક્સર અને ફોરનો વરસાદ થયો હતો. અહીંની પિચ મોટાભાગે સ્પિનરો માટે અનુકૂળ રહે છે, પરંતુ તાજેતરના સમયમાં તેણે ઝડપી બોલરોને મદદરૂપ જણાય છે. આવી સ્થિતિમાં ટોસ જીત્યા બાદ બંને ટીમો પહેલા બોલિંગ કરવાનું વિચારશે. સુપર-4 મેચ પહેલા પાકિસ્તાન અને ભારત બંનેને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયામાંથી રવિન્દ્ર જાડેજા આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આ સાથે જ આવેશ ખાન માટે પણ આજની મેચમાં રમવું મુશ્કેલ છે. જ્યારે, પાકિસ્તાનની ટીમને પણ શનિવારે આ મેચના એક દિવસ પહેલા મોટો આંચકો લાગ્યો હતો અને ઝડપી બોલર શાહનવાઝ ઈજાને કારણે ટીમની બહાર થઈ ગયો હતો.તેની પહેલા શાહીન આફ્રિદી અને મોહમ્મદ વસીમ જુનિયર પણ ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે. આવી સ્થિતિમાં આજે યોજાનારી મેચમાં બંને ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાનુ નક્કી છે.