અમદાવાદ : મોંઘવારી સામે કેન્દ્ર સરકારે કેટલાક પગલાં લીધા છે તેના કારણે સ્ટીલ, ખાધતેલ અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી છે પણ ફુગાવાનો દર રિઝર્વ બેંકની ધારણા અનુસાર ડિસેમ્બર સુધી ઘટશે એવી શક્યતા ઓછી છે. વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ અસ્થિરતાનો દોર કાયમ રહીને બે તરફી મોટી ઉથલપાથલ જોવાઈ રહી છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય બજારમાં સતત મોટા પાયે વેચવાલ બન્યા છે. લોકલ ફંડોની ખરીદીનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે.કોર્પોરેટ પરિણામોમાં કંપનીઓ કાચામાલના વધતાં ખર્ચનો બોજ પરિણામો પર અસર કરનારો હોવાની ચિંતા વ્યક્ત કરવા લાગી છે પરંતુ ચાઈના કોરોનાકાળમાંથી બહાર આવીને આર્થિક – ઔદ્યોગિક પ્રવૃત્તિ ફરી વધવા લાગતાં સપ્લાય ચેઇનની પરિસ્થિતિ સુધરવાની અપેક્ષા અને ફુગાવાની સ્થિતિ હળવી થવાની અને રાહત થવાની અપેક્ષાએ ભારતીય શેરબજાર ઘટયામથાળે ઝડપી વધી આવ્યા છે. ત્યારે હવે ચોમાસાનું દેશમાં આગમન થઈ ગયું હોઈ આગામી દિવસોમાં ચોમાસાની પ્રગતિ અને ક્રૂડના ભાવની સ્થિતિ પર નજર રહેશે, ઉપરાંત અનિશ્ચિતતાના સમયમાં બજારમાં ભારે વધઘટની શક્યતા હજુ યથાવત રહેતા દરેક ઉછાળે સાવચેતી યથાવત રહેશે.મહામારી બાદ હવે મંદીની દહેશતે ઊભરતા દેશોનાં શેરબજારો કેલેન્ડર વર્ષ 2022ના પ્રથમ છ મહિનામાં નોંધપાત્ર તૂટયા છે અને તે વર્ષ 1998 પછીનો સૌથી ખરાબ દેખાવ કર્યો છે. મંદી, મોંઘવારી અને વ્યાજદર વધવાના પરિણામે વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા હોવાથી ભારત સહિતના ઇમર્જિંગ માર્કેટ્સમાં મોટો ઘટાડો નોંધાયો છે. વધતો ફુગાવો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલી સહિતના અન્ય પ્રતિકૂળ પરિબળોના પગલે પૂરા થયેલા જૂન માસમાં બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત 5%ની પીછેહઠ થઈ હતી જે છેલ્લા 27 માસમાં સૌથી મોટો એટલે કે માર્ચ 2020 પછીનો સૌથી મોટો માસિક ઘટાડો છે. જાન્યુઆરથી જૂન સુધીના પ્રથમ છ માસિકગાળામાં વિદેશી રોકાણકારો દ્વારા ભારતના સેકન્ડરી માર્કેટમાંથી અંદાજીત કુલ રૂ.2.24 લાખ કરોડ પાછાં ખેંચવામાં આવ્યા છે.વીતેલા જૂન માસમાં ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં સતત વધતો ફુગાવો, વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા વ્યાજદરમાં કરાયેલા વધારાથી ડિફોલ્ટના કેસ વધવાના જોખમ સાથે વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ પ્રબળ બનવાની ભીતિની ભારતીય શેરબજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. વિદેશી રોકાણકારો દ્વારા સતત ભંડોળ પાછું ખેંચાવાની બીજી તરફ ડોલર સામે રૂપિયો તળિયે પટકાતા બજારમાં ગભરાટ વધ્યો હતો આ ઉપરાંત ભારત સહિત વિશ્વમાં કોરોનાના કેસમાં વધારો થતા ચિંતાનો એક નવો મુદ્દો ઊભો થયો છે. રશિયા – યુક્રેન યુદ્ધ પણ અવિરત ચાલી રહ્યું છે ત્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલમાં ફરી એકવાર અફરાતફરી થવા સાથે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં આગામી સમયમાં વધુ એક વ્યાજદર વધારો થવાની શક્યતાની પણ બજાર પર અસર જોવા મળી હતી. આ અહેવાલો પાછળ વીતેલા જૂન માસમાં ભારતીય શેરબજારોનું વાતાવરણ ખરડાઈ જવા પામ્યું હતું.વૈશ્વિક સ્તરે ડોલરની મજબૂત ચાલને કારણે ભારતીય શેરબજાર હાલ દબાણ હેઠળ જોવા મળી રહ્યું છે જો કે ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો, ફુગાવો નીચે આવવાની ધારણાં અને ચોમાસાની સારી પ્રગતિના અહેવાલે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં શરૂઆતી તબક્કામાં સુધારો જોવાયો હતો. ભારતીય શેરબજાર માટે હાલમાં એવા કોઈ નેગેટિવ અહેવાલો નથી, ત્યારે અગાઉના અહેવાલોને બજારે હાલમાં ડિસ્કાઉન્ટ કર્યાનું જણાતા ઈન્ડેક્સ બેઝડ ઉછાળા સાથે વૈશ્વિક બજારોમાં બોન્ડ યીલ્ડમાં વૃદ્વિ સાથે મજબૂતી આવતાં અને કોમોડિટીઝના ભાવોમાં ઘટાડાની પોઝિટિવ અસરે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, જો કે દરેક ઉછાળે સાવચેતી યથાવત્ રહી હતી.