
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની, અને 12 ની પરીક્ષાઓ 26/2 થી શરૂ થશે. તો સૌ પ્રથમ તો પરીક્ષાની રીક્ષા આવશે તો શું થશે? એવું ખોટું વિચાર્યા વગર બધાં વિદ્યાર્થીઓ સકારાત્મક થઈને જાય! કારણ કે આ વિદ્યાર્થીઓ જ ઉજ્જવળ ભારતનાં ઘડવૈયા છે. સૌને પરીક્ષા માટે શુભેચ્છાઓ અને અંતરનાં આશીર્વાદ. ભારત પોતાનાં યુવાધનથી પોતાનું ભવિષ્ય સુંદર રીતે ઘડી રહ્યું છે, અને હજી પણ જો દરેક વિદ્યાર્થીઓ નીતિ પૂર્વક જીવવાનું પસંદ કરે તો, આનાથી પણ સુંદર ભારતની રચના થઈ શકે, અને મને વિશ્વાસ છે કે થશે! આપણને દરેકને ભારતનાં ઉજ્જવળ ભવિષ્યની ઝંખના છે, અને હોય પણ ખરી! આખરે આપણો જ દેશ છે. સતત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાથી પાસ થતાં આ વિદ્યાર્થીઓ ઓને એટલું અવશ્ય કહેવાનું છે કે, જીવનની પરીક્ષામાં આમાંનું એક પણ બોર્ડ કામ આવતું નથી! એટલે નિતી પૂર્વક પરીક્ષા આપવી, કારણકે જ્યારે સાચી પરીક્ષાઓ આવે ત્યારે આ શિક્ષણ કે એમાં આવેલાં ટકા કામ આવતાં નથી. એને વિશે વિચારીને શિક્ષણ પદ્ધતિ ભલે ન સુધરે, પણ ઘરનાં સંતાનોને આ વાત સમજાવવી પડશે કે, આ પરીક્ષા જીવનનું એક એવું ચેપ્ટર છે, જેમાં મળેલ સફળતા નિષ્ફળતા બહુ થોડા સમય માટે જ રહે છે, એટલે એનાં પરિણામ પર ડીસઅપોઈન્ટ થવાની જરૂર નથી, તો કદાચ આગળ જતાં એનું જીવન વધુ સરળ રહે.
વિદ્યા અર્થે જે સ્કૂલ કોલેજ જાય તે વિદ્યાર્થી! સમયને કારણે અક્ષરજ્ઞાન ને વિદ્યા કહેવું પડે છે! બાકી વિદ્યાનો અર્થ બહુ વિશાળ છે. સ્કૂલ કોલેજમાં લેવાતી આ શૈક્ષણિક પરીક્ષાઓ આગળ કામ આવે કે ન આવે! પણ દેવી પડે, પાસ થવું પડે, ડીગ્રીઓ નાં છોગા વધારવાં પડે! પણ જ્યારે ખબર હોય કે આ પરીક્ષામાં સફળ થવા માત્રથી કંઈ જીવન આસાન થવાનું નથી, ત્યારે એમાં અનીતિથી બચી શકાય એટલું બચવું! જીવનમાં સુખ કદાચ સાધનથી મળે, પણ શાંતિ તો સત્ય અને સંતોષથી જ આવશે! એ વાત ખાસ સંતાનોને શીખવવી, નહીં તો કમાવા માટેની આ દોડ ક્યારેય પૂરી નહીં થાય! અને જીવનનાં એક મુકામે એમ થાય કે આપણે તો આવું કંઈ કર્યું જ નહીં!
ટૂંકમાં શિક્ષણ કરતાં સંસ્કાર પર આજનાં માતા પિતાએ વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. છેલ્લા 20 / 30 વર્ષનો આ રેશિયો જોઈએ તો દિવસેને દિવસે માતાપિતા વિદ્યાર્થી કરતાં પણ વધુ મહત્વકાંક્ષી બની ગયાં છે, અને દરેક માતા પિતામાં સુપર ચાઇલ્ડ મેન્ટાલીટી ડેવલપ થતી જાય છે, જે એક બાળ માનસ માટે ભયંકર ખતરો છે. ધોરણ 10 ની વાત કરીએ તો ત્યારે મોટે ભાગે દરેક વિદ્યાર્થી 13 થી 15 વર્ષનાં ગાળામાં હોય, અને આ ટીનએજમાં તેનાં શારીરિક બંધારણમાં પણ ફેરફાર થાય. એ લોકો એડલ્ટ બનવા તરફ કુદરતી રીતે આગળ વધતાં હોય, એટલે અમુક પ્રકારનાં આંતરિક હોર્મોન્સ પણ ડેવલપ થતાં હોય છે, અને એને કારણે છોકરા છોકરીઓમાં વિજાતીય આકર્ષણ તળે હોય. એમાં ટીવી મીડિયા, સોશિયલ મીડિયા, દરેક પાસે પોતાનાં સેલફોન, અને અન્ય રીતે આ ટીન એજ યુવક યુવતીઓને ઉશ્કેરે એવા દ્રશ્યો એના માનસમાં જીલાતા હોય, ત્યારે ભણવાનું આ પ્રેસર અને ઉપરથી માતા પિતાની મહત્વકાંક્ષા! માતાપિતાની ઈચ્છા દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીને કારણે પોતાનાં સંતાનને આગળનાં ભવિષ્યમાં સારું ભણતર મેળવ્યું હોય તો, એવી કોઈ ચિંતા ન રહે, એ માટે રખાયેલી હોય! આર્થિક રીતે પણ પોતાની હેસિયતથી વધુ બોજ લીધો હોય, અને પોતાનાં સંતાનનાં કેલીબરથી વધારે એની પર આશા રાખી હોય, તો આ બંને વસ્તુ આગળ જતાં અત્યંત દુઃખદાઈ પરિણામ આપે. ઉપરથી અંદરો અંદર અપેક્ષા પૂરી ન થયાની વાતને કારણે સંબંધોમાં કડવાસ વધે. કોઈ કોઈ વાર વિદ્યાર્થી ભયંકર ડિપ્રેશન અનુભવે છે, અને વ્યસનનો સહારો લેતો થઈ જાય! ઘરેથી ભાગી જાય, કે પછી આત્મહત્યા કરે!
ભારતીય શાસ્ત્રો મુજબ દરેકે દરેક વ્યક્તિનો જન્મ એનાં ઋણાનુબંધ પર નક્કી થતો હોય છે. એટલે કે માતાપિતાનો અને સંતાનનો અંદરો અંદર ઋણાનુબંધનો પૂર્વ જન્મનો સંબંધ આ જન્મ માટે જવાબદાર હોય છે. આ જન્મમાં તો એ તેના માતાપિતા છે, અને એ તો સૌથી મોટું ઋણ છે જ, પરંતુ એ સિવાય આગલા જન્મનું ઋણ રહ્યું હોય માટે આ જન્મ મળ્યો, એવી વાત આપણા મનીષીઓ દ્વારા કરવામાં આવી છે. ઉપરથી આ વાત માત્ર માતાપિતા એટલે કે પરિવાર પૂરતી નથી હોતી, આડોસ પાડોશ સાથે પણ આ વાત લાગુ પડે છે, અને આ જન્મભૂમિ સાથે પણ આપણું ઋણાનુબંધ હોય છે. એ જ રીતે દેશ સાથે પણ આપણું ઋણાનુબંધ હોવાથી આપણો જન્મ ભારતમાં થયો છે, અને એ ઋણ આપણે કઈ રીતે ચૂકવી શકીશું, એ દરેક વિદ્યાર્થીઓએ વિચારવાની જરૂર છે. સાંપ્રત સમયની વાત કરીએ તો આજનાં દરેક ક્ષેત્રમાં ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. પહેલાં આવું નહોતું, એટલે કે સતત સ્પર્ધાઓમાં કઈ રીતે જીવી શકાય! ઈશ્વરે દરેકે દરેક માનવીમાં કોઈને કોઈ લાક્ષણિકતા મુકી છે, એને જાણી લેવાની, અને એ મુજબ એને પ્રોત્સાહિત કરવાનો હોય છે. દરેકે દરેક વિદ્યાર્થી ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર એકાઉન્ટન્ટ, પીએચડી, કે પછી અન્ય કોઈ ડીગ્રી ન જ મેળવી શકે! એ વાત પણ દરેકે યાદ રાખવાની હોય છે. પરંતુ સુપર ચાઈલ્ડનું દુષણ, અને સર્વશ્રેષ્ઠ બનવાની મહત્વાકાંક્ષાને કારણે નીતિ અનીતિ વચ્ચેની ભેદરેખા ભૂલાઈ ગઈ છે. શિક્ષણનો મૂળ હેતુ શિષ્ટાચાર શીખવવાનો હતો, એ ધીરેધીરે ઓછો થતો જાય છે, અને માનવી શું માત્ર બાહ્ય દેખાવથી હવે માનવ છે ? એવું ક્યારેક લાગે. કુટુંબ અને પરિવાર પણ એક પાઠશાળા છે, અને એમાં વિદ્યાર્થી વધુને વધુ સમય વિતાવતો હોય, ત્યારે એમાં શિક્ષણ જેટલું જ સંસ્કારને મહત્વ આપવામાં આવે, તો સો ટકા એનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. આવા પ્રકારની પરીક્ષાઓમાં પાસ થાય કે ન થાય, પણ એ જીવનની પરીક્ષામાં ક્યારેય નિષ્ફળ નહીં જાય, કંઈક કરી જ લેશે! અને એ જે કરશે તે વિશેષ જ હશે.
આજે એ વિદ્યાર્થી જીવનનાં દિવસો યાદ આવે છે, અને બહુ ગર્વ સાથે કહી શકાય કે બીએસસી ફર્સ્ટ ક્લાસ સુધીની દરેક પરીક્ષાઓ પોતાની લાયકાતથી જ પાસ કરી, ક્યારેય આજુબાજુમાં પણ જોવાનો વિચાર આવ્યો નથી. હા એ લોકો જરૂર કંઈકને કંઈક પૂછતાં, પણ ન આવડે તો ન લખવું! એ વાત પાકી હતી. ઋણાનુબંધની વાત કરીએ તો નાગર જેવી જ્ઞાતિમાં જન્મ મળ્યો હોવાથી, દીકરા દીકરીનો તફાવત નાનપણથી જ ન્હોતો, અને એને કારણે પોતાનો દરેક નિર્ણય લેવાની સ્વતંત્રતા મળી હતી. ઉપરથી એમનાં આચરણીય સંસ્કારો,કે જે હંમેશાં એમનાં જેવું જીવન જીવવાં પ્રેરતા હતાં. ઇતિહાસ મારો સૌથી પ્રિય વિષય! અને ધોરણ પાંચથી શરૂ કરીને દસ સુધી ઇતિહાસના દરેકે દરેક પાઠ મને એ વખતે મોઢે રહેતાં. જો ત્યારે કેબીસી હોત તો એમાં જીતી શકત! આટલી લાંબી જીવનયાત્રા પરથી એક વાત તો પાક્કી જ છે કે, જીવનમાં ક્યારેય પરીક્ષાઓનો અંત આવતો નથી! એટલે પરીક્ષામાં ચોરી કરીને પાસ થઈ જાઉં, પછી ક્યારેય નહીં કરું, એ માત્ર ભ્રમ છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો દરેક વિદ્યાર્થી નીતિપૂર્વક પરીક્ષાઓ આપી, અને એમાં ઉત્તીર્ણ થઈ, પોતાનું અને પોતાનાં દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે! અને ફરીથી હિન્દુ સંસ્કૃતિનો ધ્વજ પૂરાં વિશ્વમાં લહેરાશે! જય હિન્દ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


