ઘણી વસ્તુઓ જેનો ઉપયોગ સામાન્ય માણસ રોજેરોજ કરે છે એ આજથી એટલે કે 1 એપ્રિલથી મોંઘી થઈ ગઈ છે, એટલે હવે તમારે ઈયરબડ્સ, પ્રીમિયમ હેડફોન્સ, ફ્રિજની સાથે ઘણાં બીજાં ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ માટે વધારે રૂપિયા ખર્ચ કરવા પડશે. બીજી તરફ, સ્માર્ટફોન અને ફિટનેસ બેન્ડની કિંમતોમાં ઘટાડો થશે.1 એપ્રિલથી મોંઘી અને સસ્તી વસ્તુઓ પર લાગતા ટેક્સ અને કસ્ટમ ડ્યૂટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2022 દરમિયાન કરી દીધી હતી. આ બધી આઈટેમનાં લિસ્ટ પર એક નજર કરો.
સૌથી પહેલા વાત કરીએ સસ્તી થનારી આઈટેમની
1. સ્માર્ટફોનની કિંમત ઘટશે
આજથી મોબાઈલ ફોન ચાર્જરના ટ્રાન્સફોર્મના પાર્ટ્સ, મોબાઈલ કેમેરા મોડ્યુલના કેમેરા લેન્સ અને અન્ય વસ્તુઓ પર 5થી 12.5% સુધી કસ્ટમ ડ્યૂટીની છૂટ આપવામાં આવી છે. એનાથી સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગની કિંમત ઘટી જશે. જ્યારે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઘટી જાય છે તો કંપનીઓ સ્માર્ટફોનની કિંમતો પણ ઘટાડી શકે છે.
2. સ્માર્ટવોચની કિંમતો ઘટશે
સરકારે સ્માર્ટવોચ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને 31 માર્ચ 2023 સુધી કસ્ટમ ડ્યૂટીમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં આજથી એટલે કે 1 એપ્રિલથી ઘરેલુ પ્લાન્ટમાં તૈયાર થતી સ્માર્ટવોચની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે.
3. ફિટનેસ બેન્ડની કિંમતો ઘટશે
સ્માર્ટવોચની જેમ ફિટનેસ બેન્ડની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. ફિટનેસ બેન્ડ પણ સ્માર્ટવોચની કેટેગરીનો ભાગ છે. આવી સ્થિતિમાં મેન્યુફેક્ચરિંગ કરનારી તમામ કંપનીઓને 31 માર્ચ 2023 સુધી કસ્ટમ ડ્યૂટીમાં છૂટનો ફાયદો મળશે.
હવે એ આઈટેમ, જેની કિંમતો 1 એપ્રિલથી વધી જશે
1. વાયરલેસ ઈયરબડ્સ મોંઘા થશે
સરકારે ઈયરબડ્સ મેન્યુફેક્ચરિંગમાં ઉપયોગ થતા પાર્ટ્સની ઈમ્પોર્ટ ડ્યૂટીને વધારી દીધી છે. આવી સ્થિતિમાં આજથી ઈયરબડ્સના પ્રોડક્શનની કિંમત વધી શકે છે. પ્રોડક્શન કોસ્ટ વધવાથી વાયરલેસ ઈયરબડ્સ, નેકબેન્ડની કિંમત પણ વધી જશે.
2. પ્રીમિયમ હેડફોન્સ પણ મોંઘા થશે
પ્રીમિયમ હેડફોન તો ભારતીય માર્કેટમાં પહેલેથી જ મોંઘા હતા. આવી સ્થિતિમાં હવે સરકારે તેની ઈમ્પોર્ટ ડ્યૂટી પર 20%થી પણ વધારે ચાર્જ લેવાની જાહેરાત કરી છે. એવામાં ઈમ્પોર્ટેડ પ્રીમિયમ હેડફોન માટે યુઝર્સને વધારે કિંમત ચૂકવવી પડશે.
3. ફ્રિજની કિંમતોમાં વધારો
ગરમી શરૂ થઈ ગઈ છે અને ફ્રિજ લગભગ દરેક ફેમિલીની જરૂરિયાત છે. જોકે આજથી એટલે કે 1 એપ્રિલથી ફ્રિજ ખરીદવાનું મોંઘું થઈ જશે. સરકારે બજેટ 2022 દરમિયાન ફ્રિજમાં ઉપયોગમાં લેવાતા કમ્પ્રેસર અને બીજા પાર્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી હતી, જે આજથી લાગુ થઈ રહી છે, એટલે કે હવે એની કિંમતોમાં વધારો થશે.
4. કાર પણ મોંઘી થશે
1 એપ્રિલથી ફરી એકવાર કાર ખરીદવાનું મોંઘું થઈ જશે. ટાટા, BMW, ટોયોટા, મર્સિડીઝ બેન્ઝ અને ઓડી જેવી કંપનીઓએ પોતાની કારની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ તમામ કંપનીઓનું કહેવું છે કે કાચા માલની કિંમત વધવાને કારણે તેમના પર બોજ વધી રહ્યો છે. એને કારણે તેમને કારની કિંમતમાં 4% સુધીનો વધારો કરવો પડી રહ્યો છે. ઘણી ઓટોમોબાઈલ કંપનીઓએ આ વર્ષે જાન્યુઆરીમાં ઈન્પુટ કોસ્ટને કારણે કિંમતો વધારી હતી.