શ્રીલંકન સરકારે ત્રણ દિવસ પહેલા આવશ્યક ચીજવસ્તુઓની કિંમત મર્યાદા નાબૂદ કરી છે. આની જનતા પર આપત્તિજનક અસર પડી રહી છે. સોમવારે એલપીજીની કિંમત વધીને 2657 શ્રીલંકન રૂપિયા પ્રતિ સિલિન્ડર, જ્યારે દૂધનો પાવડર 1195 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો હતો.
ગેસ સિલિન્ડરની કિંમતમાં 90 ટકાનો વધારો થયો છે.
ગત શુક્રવારે સિલેન્ડરના ભાવ 1400 રૂપિયા હતા, જે 1257 રૂપિયાના વધારા બાદ હવે 2657 રૂપિયા સુધી પહોંચી ગયા છે. આવી જ રીતે દૂધ પાઉડર ત્રણ દિવસ બાદ 250 રૂપિયા મોંઘુ થયું છે. દેશમાં લોટ, ખાંડ, સીમેન્ટ સહિત કેટલીય વસ્તુઓના ભાવ વધારી દેવામાં આવ્યા છે.શ્રીલંકાની સરકારે ગુરુવારે રાત્રે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક બાદ દૂધના પાવડર, ગેસ, લોટ અને સિમેન્ટની ભાવ નિયંત્રણ વ્યવસ્થાને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે કોવિડ રોગચાળાને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ વર્ષ 2020 માં આયાત પર પ્રતિબંધ મૂકીને વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે એક પગલું લીધું હતું. તેના કારણે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ હતી. ડોલરની અછતને કારણે, આયાતકારો બહારથી લાવવામાં આવેલા માલ માટે ચૂકવણી કરી શકતા નથી. જેના કારણે પુરવઠો બંધ થઈ ગયો છે.