ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ ચેન્નઈના કેપ્ટન ધોનીની પ્રશંસા કરી હતી
ચેન્નઈ સુપર કિંગ્સ ગુજરાતને હરાવી IPLમાં 5મી વખત ચેમ્પિયન બની હતી
IPLની 16મી સીઝન ચેન્નઈ સુપર કિંગ્સના ચેમ્યિન બનતાની સાથે જ પૂર્ણ થઈ ગઈ છે. ગઈકાલે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતને હરાવીને ચેન્નઈ IPLમાં 5મી વખત ચેમ્પિયન બની છે. IPLમાં ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ મેચ જીતવા પર ગુજરાત ટાઇટન્સે ટ્વિટ કરીને એવી શુભેચ્છા આપી હતી કે સૌ કોઈનું દિલ જીતી લીધુ હતું.
ગુજરાત ટાઈન્ટનું ચેન્નઈની જીત પર ટ્વિટ
IPL 2023માં ગુજરાત ટાઈટન્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો રોંમાચક વિજય થયો હતો. ચેન્નઈ તરફથી રવિન્દ્ર જાડેજા જીતનો હિરો બન્યો હતો. જાડેજાએ છેલ્લા બે બોલમાં મેચની બાજી પલટી નાખી અને ચેન્નઈને ચેમ્પિયન બનાવ્યુ હતું. ચેન્નઈની ટીમ મેચ જીત્યા બાદ ક્રિકેટ ફેન્સ અને ક્રિકેટરોએ સોશ્યલ મીડિયામાં શુભેચ્છા આપતી પોસ્ટ કરી હતી. આ વચ્ચે ગુજરાત ટાઈટન્સની ટીમે પણ જીત માટે એક ટ્વિટ કરી હતી જે ટ્વિટ ખુબ જ વાયરલ થઈ હતી. ગુજરાત ટાઈટન્સની ટીમે ટ્વિટ કરીને લખ્યુ હતું કે વ્હાલા થાલા અમે જાણતા હતા કે અમારે ફાઇનલમાં ફક્ત તમારી પ્રતિભા સાથે જ નહીં, પણ પીળા સમુદ્ર સાથે પણ બાથ ભીડવી પડશે. આજે રાત્રે અમે નિરાશ છીએ પણ અમારા ભીતરનું બાળક તમને ટ્રોફી પકડતા જોઈને ખુબ જ ખુશ છે. ગુજરાત ટાઈટન્સના આ ટ્વિટથી ચેન્નઈ સહિત ક્રિકેટ ફેન્સ પણ ખુશ થઈ ગયા હતા. ગુજરાત આ મેચ ભલે હારી ગયુ પણ તેણે આ ટ્વિટથી બધાનું દિલ જીતી લીધુ હતું.
હાર્દિક પંડ્યાએ ધોનીની પ્રશંસા કરી
IPLની 16મી સીઝનમાં ફાઈનલ મેચ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ચેન્નઈના કેપ્ટન ધોનીની પ્રશંસા કરી હતી. મેચ હાર્યા બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે જો તેને હારવું પડશે તો તે ધોની સામે હારવા માંગશે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા, વરસાદના કારણે ચેન્નઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ચેન્નઈને જીતાડી હતી.