અમદાવાદ: ઉત્તર-પૂર્વીય દિશાના પવન ફૂંકાતા ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું યથાવત્ છે. ગુરુવારે, નલિયામાં 5.2 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આ સાથે પાંચ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 28 જાન્યુઆરી સુધી એટલે આજ સુધી ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવી છે. રાજ્યભરમાં આજે કાતિલ ઠંડીનું જોર યથાવત્ રહેશે અને જે બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના જાહેર કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ આજે પણ ઠંડીનું જોર યથાવત્ રહેશે. ગત રાત્રિએ 5.2 ડિગ્રી સાથે નલિયામા સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. નલિયામાં આજે યલો એલર્ટની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં 10 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદમાં 12 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાનનો પારો રહેવાની સંભાવના છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં આવતીકાલથી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે. આ પછી લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી.’ મહત્તવનું છે કે, કોલ્ડવેવની અસરથી ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 5.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ અને 30.5 ડિગ્રી સાથે વલસાડ સૌથી ગરમ શહેર બન્યું હતું.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, 29 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર યથાવત રહશે અને 29 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ ઘટશે. તેવી જ રીતે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, આવતીકાલથી ઠંડીમાંથી લોકોને રાહત મળશે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 29-31 જાન્યુઆરી દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ, પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ સિવાય મેદાની વિસ્તારોમાં 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. આ સાથે આગામી 2-3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, વિદર્ભ, બિહાર અને છત્તીસગઢના અલગ-અલગ ભાગોમાં અને 28 થી 30 જાન્યુઆરી દરમિયાન ઓડિશામાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાવાની સંભાવના છે.