રાજ્યમાં ઔદ્યોગિક દુર્ઘટનામાં છેલ્લા 5 વર્ષમાં કુલ 989 કામદારો મૃત્યું પામ્યા છે: Gujarat Congress

0
20
છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ઔદ્યોગિક એકમોની અંદર અનેક ઔદ્યોગિક અકસ્માતો અને હાનિકારક ઝેરી રસાયણોના કારણે કુલ 989 કામદારો મૃત્યુ પામ્યા છે.
છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ઔદ્યોગિક એકમોની અંદર અનેક ઔદ્યોગિક અકસ્માતો અને હાનિકારક ઝેરી રસાયણોના કારણે કુલ 989 કામદારો મૃત્યુ પામ્યા છે.

અમદાવાદ: રાજ્યમાં વધતા જતા ઔદ્યોગિક જીવલેણ અકસ્માતો xપ્રદૂષણના લીધે નાગરિકોના જીવન સામે જોખમ સહિતના મુદ્દે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્ય, સાંસદની સત્યતા શોધક સમિતિની રચના કરવામાં આવી છે . આ સમિતિ શ્રમિકોના ન્યાય માટે લડત કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 31,500થી વધુ ફેક્ટરીઓ છે. જે 16.93 લાખથી વધુ કામદારોને રોજગારી આપે છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, સુરત જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં સૌથી વધુ કામદારોના મૃત્યુ થયા છે. મોટાભાગના કામદારો ઓડિશા, બિહાર અને ઉત્તર પ્રદેશના સ્થળાંતરિત છે. સચિન જીઆઈડીસીમાં લગભગ 50 ટેક્સટાઈલ ડાઈંગ અને પ્રિન્ટીંગ મિલો અને 40થી વધુ કેમિકલ યુનિટ અને કેટલાક પાવર લૂમ યુનિટ છે.  અહેવાલો દર્શાવે છે કે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આશિર્વાદથી ફરજિયાત કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જોખમી કેમિકલની ટ્રીટમેન્ટ કર્યા વિના ઝેરી રાસાયણિક કચરાથી ભરેલી 5-6 થી વધુ ટ્રકો ગેરકાયદેસર રીતે દરરોજ શહેરના ગટરોમાં ખાલી કરવામાં આવે છે. યુનિટના માલિકો અને જીઆઈડીસી સત્તાધીશો વચ્ચેની સાંઠગાંઠને કારણે સત્તાવાળાઓ જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યાં છે.વધુમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પક્ષએ ઔદ્યોગિક સલામતિ, પર્યાવરણ મુદ્દે કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાના કન્વીનર પદે ધારાસભ્યઓ, સંસદસભ્યઓ સહિત વરિષ્ઠ આગેવાનોની સત્યતા શોધકટીમની રચના કરી છે. તેઓ જમીન પરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અસરગ્રસ્ત પરિવારો અને અસરકર્તા અન્ય નાગરિકો, સ્થાનિક આગેવાનોની મુલાકાત લેશે અને મુલાકાતના આધારે ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ સાત દિવસમાં કોંગ્રેસ પક્ષને સુપ્રત કરશે.જેના આધારે કોંગ્રેસ પક્ષ ન્યાયની માંગણી અને કાયદાકીય જોગવાઈઓના યોગ્ય અમલીકરણ માટે જે જરૂરી હશે તે લડત આપશે. ઉદ્યોગો એ ગુજરાતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, પરંતુ આ રસાયણોની હાનિકારક અસરોને કારણે લાખો ગુજરાતીઓનું રોજિંદુ જીવન જોખમમાં ન આવે તે સુનિશ્ચિત કરવા યોગ્ય પ્રક્રિયાઓ અનુસરવામાં આવે તે મહત્વનું છે. યોગ્ય પ્રક્રિયા ન કરાયેલ રાસાયણિક કચરો ભૂગર્ભજળને પણ પ્રદૂષિત કરી રહ્યો છે અને ગુજરાતીઓમાં ઘણા લાંબાગાળાના રોગોમાં વધારો કરી રહ્યો છે.

ઔદ્યોગિક દુર્ઘટનાની આ પહેલી ઘટના નથી, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ઔદ્યોગિક એકમોની અંદર અનેક ઔદ્યોગિક અકસ્માતો અને હાનિકારક ઝેરી રસાયણોના કારણે કુલ 989 કામદારો મૃત્યું પામ્યા છે. આ મૃત્યુમાં 42 ટકા જેટલો હિસ્સો ઉત્તરમાં મહેસાણાથી દક્ષિણમાં વાપી સુધીના “ગોલ્ડન કોરિડોર” પર સ્થિત સુરત, અમદાવાદ અને ભરૂચ જિલ્લાઓમાં કાર્યરત ફેક્ટરી કામદારોના મૃત્યુનો છે.

રાજ્યમાં સાબરમતી, તાપી, વિશ્વામિત્રી સહિત 20 કરતા વધુ નદીઓ સૌથી વધુ પ્રદૂષિત છે. પ્રદૂષિત પાણીના કારણે માનવ જીંદગીની સાથોસાથ ખેડૂતો અને ખેતી બન્ને મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે. પશુધનને મોટી મુશ્કેલી છે તેમ છતાં ભાજપ સરકાર પ્રદૂષણ નિયંત્રણ માટે ગંભિર પગલા ભરવામાં આંખ આડા કાન કરી રહી છે.