પટના : લાલુ યાદવની તબિયત ધીરે-ધીરે વધુ ખરાબ થઈ રહી છે. મોડી રાતે તેમને પટનાથી દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં તેમની સ્થિતિ નાજુક છે. તેજસ્વી યાદવે કહ્યું હતું કે તેમનું સંપૂર્ણ ચેકઅપ કરવામાં આવશે. એ પછીથી સારવાર શરૂ કરવામાં આવશે. હાલ તેમની બોડી મૂવમેન્ટ બંધ છે.તેજસ્વીએ જણાવ્યું હતું કે પિતાને ઘણીબધી દવાઓ અપાઈ રહી છે. હાલ જેપણ કોમ્પ્લિકેશન છે એને દૂર કરનારી દવાની કોઈ અસર હાર્ટ કે કિડની પર ન પડે એ માટે તેમને એઇમ્સમાં લાવવામાં આવ્યા છે. એઇમ્સમાં તેમનું સંપૂર્ણ ચેકઅપ થશે.તેજસ્વીએ જણાવ્યું હતું કે ડોક્ટરને તેમને સિંગાપોર ખસેડવા અંગેની વાત કરવામાં આવશે. તેમનાં લિવર/કિડનીને ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત ચાલી રહી છે. તેમનું ક્રિએટિનિન 4 જેટલું હતું, જેને વધારીને 6 ઉપર લઈ જવામાં આવ્યું છે. ચેસ્ટમાં પણ તકલીફ હતી. બે-ત્રણ દિવસ ફીવર પણ રહ્યો હતો. દવાઓનો ડોઝ વધુ થઈ જતાં તકલીફ થઈ હતી.રાજદના પ્રવક્તા અને રાજદના વરિષ્ઠ નેતા ચિત્તરંજન ગગને દિલ્હી એરપોર્ટનો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં લાલુ પ્રસાદને મળવા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન આવ્યા હતા. ગગને તેઓ ઝડપથી સ્વસ્થ્ય થઈને આપણા બધાની વચ્ચે આવે એવી પ્રાર્થના કરી છે.લાલુ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. પટનાના મંદિર અને મસ્જિદમાં લાલુ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. નાનાં બાળકોએ પણ તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય એ માટે પ્રાર્થના કરી છે.લાલુ પ્રસાદની વહુ અને તેજસ્વી યાદવની પત્ની રાજશ્રી યાદવે ટ્વિટર પર લાલુ પ્રસાદની હસ્તી તસવીર પોસ્ટ કરી છે.