છેલ્લા 28 દિવસથી ભારતરત્ન ગાયિકા લતા મંગેશકર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ છે. હવે એક શૉકિંગ અપડેટમાં તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરે કહ્યું છે કે, ‘લતાજીની તબિયત ફરીથી ખરાબ થઈ છે અને તેઓને ફરી વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યાં છે. હજુ પણ તેઓ ICUમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ છે.’ કોરોના અને ન્યુમોનિયાની સારવાર માટે તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં.
ડૉક્ટરની ટીમ દેખરેખ કરી રહી છે
લતા મંગેશકરની સારવાર કરી રહેલા ડૉક્ટર પ્રતીત સમધાનીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ‘લતાજીની તબિયત ખરાબ થતા અમે વેન્ટિલેટર પર શિફ્ટ કર્યા છે. ડૉક્ટરની એક ટીમ 24×7 તેમનું ધ્યાન રાખી રહી છે.’
સારવાર દરમિયાન મૃત્યુની અફવા આવી હતી
થોડા દિવસ પહેલાં લતા મંગેશકરના મૃત્યુની અફવા ફેલાઈ હતી. એ પછી તેમના અકાઉન્ટ પરથી પરિવારે કહ્યું હતું, ‘મહેરબાની કરીને અફવા પર ધ્યાન ના આપો. બ્રીચ કેન્ડી હોસ્પિટલના પ્રતીત સમદાનીએ અપડેટ આપી છે. દીદીની તબિયતમાં સુધારો આવી રહ્યો છે અને સારવાર ICUમાં ચાલુ છે. અમે તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છીએ.’પાંચ દિવસ પહેલાં મીડિયા સાથે વાતચીત દરમિયાન મહારષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, ‘મેં લતાજીની સારવાર કરી રહેલા ડૉક્ટર સાથે વાત કરી. તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે કોરોના અને ન્યૂમોનિયાને માત આપી છે. પહેલાં તેઓ વેન્ટિલેટર પર હતા, પણ હવે નથી. હવે તેમને માત્ર ઓક્સિજન જ આપવામાં આવી રહ્યો છે. તેમણે આંખ ખોલી છે અને ડૉક્ટર સાથે પણ વાત કરી રહ્યા છે. કોરોનાને લીધે થોડી નબળાઈ આવી ગઈ છે પણ તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે.’લતા મંગેશકર સ્ટુડિયોઝ એન્ડ મ્યુઝિકના CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) મયૂરેશ પાઈએ કહ્યું હતું કે લતાદીદીને કોરોનાને કારણે શનિવાર (8 જાન્યુઆરી) મોડી રાતના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. અત્યારે તેઓ ICUમાં છે અને સારવાર ચાલે છે. દીદી, તેમનાં બહેન ઉષા મંગેશકર તથા ભાઈ હૃદયનાથ મંગેશકરના પરિવાર સાથે પેડર રોડ પર સ્થિત ઘરમાં રહે છે. પરિવારના અન્ય સભ્યો સુરક્ષિત છે. ઘરમાં કામ કરતા હાઉસ હેલ્પરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને દીદી તેના સંપર્કમાં આવ્યાં હતાં, આથી લતાજીનો ટેસ્ટ કરાવ્યો તો તેઓ પોઝિટિવ આવ્યાં હતાં. હાલમાં તેઓ અન્ડર ઓબ્ઝર્વેશન છે.