
નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના છઠ્ઠા દિવસે જેમની ઉપાસના કરવામાં આવે છે તે ર્માં દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ ર્માં કાત્યાયની દેવીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.વ્યવહારમાં સંયમ-સાધનાને ધારણ કરનાર દરેક સ્ત્રી કાત્યાયની રૂપ છે,આદ્યશક્તિ ર્માં દુર્ગાનું નામ કાત્યાયની દેવી પડવાની કથા પુરાણોમાં વર્ણિત છે.કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા.તેમના પૂત્ર ઋષિ કાત્ય થયા.આ કાત્ય ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન થયા. તેમને ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં કરતાં ઘણા વર્ષો સુધી ઘણી જ કઠીન તપસ્યા કરી.તેમની તપસ્યાથી પ્રસન્ન થઇ માતા ભગવતીએ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા.મહર્ષિ કાત્યાયનની ઇચ્છા હતી કે ર્માં ભગવતી તેમના ઘેર પૂત્રીના રૂપમાં જન્મ લે.ર્માં ભગવતીએ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.મહર્ષિ કાત્યાયનના ત્યાં આદ્યશક્તિ ર્માં દુર્ગાજીએ પૂત્રીના રૂપમાં જન્મ ધારણ કર્યો હતો તેથી તેમનું નામ પડ્યું કાત્યાયની દેવી પડ્યું છે.ર્માં કાત્યાયની અમોઘફલદાયિની છે.બીજી અન્ય કથા એવી છે કે જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી ઉપર ઘણો જ વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ ત્રિદેવે પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરનો નાશ કરવા માટે એક દેવીશક્તિને ઉત્પન્ન કર્યા.મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ તેમની પૂજા કરી હતી.ર્માં કાત્યાયની દેવીએ મહિષાસુરનો વધ કરીને ત્રણે લોકને તેના અત્યાચારથી બચાવ્યા હતા.ભગવાન શ્રીકૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે વ્રજની ગોપીઓએ કાલિન્દી(યમુના) નદીના કિનારે તેમની પૂજા કરી હતી.ર્માં કાત્યાયની વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે.તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે.તેમનો વર્ણ સોના જેવો તેજસ્વી અને દિવ્ય છે.તેમને ચાર હાથ છે.માતાજીનો જમણી તરફનો ઉપર તરફનો હાથ અભયમુદ્રામાં તથા નીચે તરફનો વરમુદ્રામાં છે.ડાબી તરફના ઉપરના હાથમાં ચંદ્રહાસા નામની તલવાર તથા નીચે તરફના હાથમાં કમળ-પુષ્પ સુશોભિત છે.દુર્ગાપૂજાના છઠ્ઠા દિવસે કાત્યાયની માતાના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિત હોય છે.યોગસાધનામાં આ આજ્ઞાચક્રનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે.આ ચક્રમાં સ્થિત મનવાળા સાધક ર્માં ના ચરણોમાં પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દે છે.પરીપૂર્ણ આત્મ સમર્પણ કરનાર ભક્તોને સહજ રીતે ર્માં કાત્યાયનીનાં દર્શન થાય છે.ર્માં કાત્યાયની દેવીની ભક્તિ અને ઉપાસના દ્વારા ભક્તોને ઘણી જ સુગમતાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ-આ ચાર પુરૂષાર્થની પ્રાપ્તિ થાય છે, તે આલોકમાં સ્થિત રહેવા છતાં પણ અલૌકિક તેજ અને પ્રભાવથી યુક્ત બની જાય છે.તેમના રોગ શોક સંતાપ ભય વગેરે કાયમના માટે વિનષ્ટ થઇ જાય છે.જન્મ-જન્માંતરના પાપોનો નાશ કરવા માટે ર્માં ની ઉપાસનાથી અધિક સુગમ અને સરળ માર્ગ બીજો કોઇ નથી.તેમનો ઉપાસક નિરંતર તેમના સાનિધ્યમાં રહીને પરમપદનો અધિકારી બની જાય છે એટલે અમારે સર્વભાવથી ર્માં ના શરણાગત બનીને તેમની પૂજા-ઉપાસના કરવી જોઇએ.કુમારીકાઓએ મનગમતો જીવનસાથી મેળવવા અને સુખી લગ્ન જીવન માટે નોરતાના છઠ્ઠા દિવસે આદ્યશક્તિ ર્માં કાત્યાયની દેવીની ઉપાસના કરવી જોઇએ.માતા કાત્યાયનીને મધ ખૂબ જ પ્રિય હોય છે એટલા માટે આ દિવસે લાલ રંગના કપડાં પહેરીને માતાને મધ ચઢાવીએ.તમારા જુસ્સા અને પ્રેમને વ્યક્ત તથા નિર્ભય બનવા લાલ રંગના કપડા પહેરવા જોઇએ.