પેટ્રોલિયમ કંપનીઓએ ફરી એક વખત LPGના ભાવમાં વધારો કર્યો છે.સબસિડી વિનાના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં ઘરેલુ ઉપયોગના 14.2 કિલો સિલિન્ડરની કિંમત 884.5 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1693 રૂપિયા થઈ ગઈ છે.ઓક્ટોબર મહિનાના પહેલા જ દિવસે સામાન્ય જનતાને પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો ઝટકો આપ્યો છે. કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં જંગી વધારો થયો છે. એને કારણે રેસ્ટોરાં, હોટલો વગેરેમાં ભોજન મોંઘું થઈ શકે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, હવે દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 1693 રૂપિયા થઈ ગયું છે.તેલ કંપનીઓ દર મહિને એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. રાજ્ય પ્રમાણે ટેક્સ અલગ-અલગ હોય છે અને એ મુજબ આ એલપીજીના ભાવમાં તફાવત હોય છે. આ વર્ષે દિલ્હીમાં 1 જાન્યુઆરીએ એલપીજી સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી, પરંતુ હવે એ વધીને 884.50 રૂપિયા થઈ ગઈ છે, એટલે કે આ વર્ષે અત્યારસુધી એમાં 190.50 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં કોલકાતામાં એની કિંમત 911 રૂપિયા, મુંબઈમાં 884.5 રૂપિયા અને ચેન્નઈમાં 900.5 રૂપિયા છે. ગેસ-સિલિન્ડરના ભાવ દર મહિને બદલાય છે. એની કિંમત સરેરાશ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં ફેરફાર જેવાં પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે.આ પહેલાં ગુરુવારે સાંજે સરકારે નેચરલ ગેસના ભાવમાં 62 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. કુદરતી ગેસનો ઉપયોગ ખાતર, વીજ ઉત્પાદન અને CNG ગેસ તૈયાર કરવા માટે થાય છે. આ નિર્ણય બાદ સીએનજી, પીએનજી અને ફર્ટિલાઇઝરની કિંમતોમાં પણ વધારો થવાની ધારણા છે.
LPG સિલિન્ડરમાં 25 રૂપિયાનો વધારો, દિલ્હીમાં સબસિડી વગરના ગેસ-સિલિન્ડરની કિંમત 884.5 રૂપિયા થઈ….
Date: