
મગેલન એરોસ્પેસ કોર્પોરેશન (“મગેલન”) એ ભારતના કર્ણાટકમાં આવેલા બેલાગાવી એરોસ્પેસ ક્લસ્ટર (બીએસી) સ્થિત એક્વસ પ્રાઈવેટ લિમિટેડ (એક્વસ ) સાથે 50-50 ટકાની સંયુક્ત માલિકીની એરોસ્પેસ સ્પેસ કાસ્ટિંગ ફેસિલિટીની સ્થાપનાનો બિઝનેસ પ્લાન તૈયાર કરવાની સંભાવના ચકાસવા માટે આજે સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં.આ પ્રસ્તાવિત સુવિધાનો હેતુ સતત વૃદ્ધિ પામી રહેલાં એરોસ્પેસ ઉદ્યોગમાં સેન્ડ કાસ્ટિંગની માંગને પહોંચી વળવાનો છે. સેન્ડ-કાસ્ટિંગની આ વધેલી ક્ષમતા વાણિજ્યિક અને સંરક્ષણ એમ બંને ક્ષેત્રોને ટેકો આપશે.હાલમાં ભારતમાં એરોસ્પેસ-ક્વોલિફાઇડ એનએડીસીએપી (NADCAP) સેન્ડ કાસ્ટિંગ સુવિધાઓની સંખ્યા મર્યાદિત છે. આ નવા સાહસનો હેતુ દક્ષિણપૂર્વ એશિયામાં સેન્ડ કાસ્ટિંગ ક્ષમતાઓને વધારવાનો છે. મગેલન હાલમાં ઉત્તર અમેરિકામાં સેન્ડ કાસ્ટિંગ માટે ઉત્કૃષ્ટતાનું કેન્દ્ર છે, જે રાસાયણિક પ્રક્રિયાથી બંધાયેલી સેન્ડ પ્રોસેસનો ઉપયોગ કરીને આ ઉદ્યોગની જટિલ જરૂરિયાતોને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે. ઉત્તર અમેરિકામાં કાર્યરત સુવિધાઓ 3D સેન્ડ પ્રિન્ટિંગ, રોબોટિક્સ, ડિજિટલ રેડિયોગ્રાફી અને ઓટોમેટેડ ડિફરન્શિયલ પ્રેશર બોટમ પોરિંગ જેવી નવીન, અગ્રણી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં નિપુણતા ધરાવે છે.ભારતના એરોસ્પેસ ક્ષેત્ર એ છેલ્લાં એક દાયકામાં વૃદ્ધિ નોંધાવી છે, જે મેક ઇન ઇન્ડિયા અને ઉડાન યોજના, ખાનગી ક્ષેત્રમાં વૃદ્ધિ અને એર ટ્રાફિકમાં વધારો સહિતની સરકારી પહેલોથી પ્રેરિત છે. ભારતમાં હવાઈ મુસાફરીની માંગમાં વધારો થયો છે, જે તેને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઉડ્ડયન બજારોમાં સ્થાપિત કરે છે.2007માં, એક્વસ અને મગેલને સંયુક્ત સાહસ હેઠળ એરોસ્પેસ પ્રોસેસિંગ ઇન્ડિયા એપીઆઇ (API)ની સ્થાપના કરી હતી. જે ભારતમાં એરબસ અને બોઇંગ બંને દ્વારા મંજૂર કરવામાં આવેલું પ્રથમ થર્ડ પાર્ટી કેન્દ્ર હતું, આ સુવિધાએ ભારતમાં સરળતાથી ઉપલબ્ધ ના હોય તેવા સંશોધનાત્મક સર્ફેસ ટ્રીટમેન્ટ ઉકેલો ઉપલબ્ધ બનાવ્યાં હતાં.2024માં, મગેલન અને એક્વસે ભારતના કર્ણાટકમાં એરક્રાફ્ટ એન્જિનની જાળવણી, સમારકામ અને ઓવરહોલ માટે સંયુક્ત માલિકીની સુવિધાની સ્થાપના માટે બિઝનેસ પ્લાન તૈયાર કરવા માટે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) કર્યું હતું. આ સાહસો એક્વસ અને મગેલન વચ્ચેના સંબંધની મજબૂતી દર્શાવે છે જેનો હેતુ વૈશ્વિક ગ્રાહકોને જરૂરી સહાય આપવા માટે અસરકારક ઉકેલો ઉપલબ્ધ બનાવવાનો છે.નવેસરની સહમતિ સાથે કરાયેલાં આ એમઓયુ અંગે પ્રતિક્રિયા આપતાં, એક્વસ ના ચેરમેન અને સીઇઓ અરવિંદ મેલિગેરીએ જણાવ્યું હતું કે, “બેલાગાવી એરોસ્પેસ ક્લસ્ટરમાં અમારા લાંબા સમયના ભાગીદાર મગેલન એરોસ્પેસ સાથે સેન્ડ કાસ્ટિંગ સુવિધાની સ્થાપનાની સંભાવના ચકાસવાની આ દરખાસ્ત અમારા ગ્રાહકોને વિશ્વ કક્ષાની ઉત્પાદન પ્રક્રિયાઓ અને ટેક્નોલોજી પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે. તે ક્લસ્ટરમાં એક્વસ સંચાલિત વર્ટિકલી ઈન્ટિગ્રેટેડ ઉત્પાદન ક્ષમતાઓમાં પણ ફાળો આપશે. સેન્ડ કાસ્ટિંગ ટેકનોલોજીમાં થયેલી પ્રગતિને કારણે એરોસ્પેસ ઉદ્યોગની માંગ મુજબના કડક ધોરણોને અનુરૂપ વજનમાં હળવા છતાં મજબૂત સામગ્રી પૂરી પાડવાનું શક્ય બન્યું છે.”મગેલન એરોસ્પેસના પ્રમુખ અને સીઈઓ ફિલિપ અન્ડરવુડે જણાવ્યું હતું કે, ” એરોસ્પેસ અને ઉડ્ડયન ક્ષેત્રની અપેક્ષિત વૃદ્ધિને ધ્યાનમાં લેતાં, ભારતમાં આ સંભવિત નવું સેન્ડ કાસ્ટિંગ સાહસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ખર્ચના લાભો, ક્ષમતામાં વધારો અને વ્યૂહાત્મક પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે આ ક્ષેત્રની વૈશ્વિક સંભવિતતાને સાકાર કરવા માટે આવશ્યક છે. મેગેલન ભારતમાં આ કોમોડિટીને વિકસાવવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. કોસ્ટ ઈફેક્ટિવ અને ગુણવત્તાયુક્ત ઉકેલોની અપેક્ષા રાખતાં અમારા કાસ્ટિંગ ગ્રાહકોની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમે તૈયાર છીએ.”