
મલબાર ગ્રુપ શેરી બાળકોના પુનર્વસન અને તેમને ઔપચારિક શિક્ષણમાં પાછા લાવવા માટે તેના વર્તમાન પ્રયાસોના ભાગરૂપે તેના માઇક્રો લર્નિંગ સેન્ટર્સ (એમએલસી)ને અન્ય રાજ્યો અને પ્રદેશોમાં વિસ્તારી રહ્યું છે. આ પહેલ સામાજિક અને આર્થિક પડકારોને કારણે શાળા છોડી ચૂકેલા બાળકોને મૂળભૂત શિક્ષણ સહાય અને માળખાગત સંભાળ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેનો ઉદ્દેશ્ય તેમને મુખ્ય પ્રવાહના શિક્ષણમાં ફરીથી સામેલ કરવાનો છે.
આ વિસ્તરણના ભાગરૂપે, હાલમાં મલબાર ગ્રુપના મુખ્ય મથક કૂટીક્કાટ્ટુર, કોઝિકોડ ખાતે એક સપ્તાહ લાંબો તાલીમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ તાલીમમાં રાજ્ય અને ઝોનલ કો-ઓર્ડિનેટર્સ તેમજ માઇક્રો લર્નિંગ સેન્ટર્સ (એમએલસી)નું નેતૃત્વ કરનારા સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ એમએલસી મોડેલને નવા વિસ્તારોમાં વિસ્તારવા માટે સ્પષ્ટ અને આયોજનબદ્ધ યોજના બનાવવા તથા હાલના સેન્ટર્સની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે નિષ્ણાંતો અને ફિલ્ડ ટીમોને એક સાથે લાવે છે.
માઇક્રો લર્નિંગ સેન્ટર્સ મલબાર ગ્રુપની મુખ્ય સામાજિક પહેલ ‘હંગર ફ્રી વર્લ્ડ’ હેઠળ કામ કરે છે. આ પહેલનો ઉદ્દેશ વંચિત સમુદાયોમાં ભૂખ અને શિક્ષણની અછત જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. આ કાર્યક્રમ દ્વારા રસ્તા પર જીવન જીવતા બાળકો, મજબૂર મજૂરીમાં જોડાયેલા બાળકો અથવા શાળા છોડીને બેઠેલા બાળકોને પોષક આહાર, મૂળભૂત શિક્ષણ અને ફરીથી નિયમિત શાળામાં જોડાવા માટે જરૂરી સહાય આપવામાં આવે છે. સાથે સાથે તેમના પુનર્વસન અને સમાજમાં ફરી જોડાણ માટે પણ માર્ગદર્શન આપવામાં આવે છે.
હાલમાં દેશના 18 રાજ્યોમાં 1,534 માઇક્રો લર્નિંગ સેન્ટર્સ કાર્યરત છે, જે મુખ્યત્વે શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા 64,000થી વધુ બાળકોને સહાય આપી રહ્યા છે. યુનિસેફના અંદાજ મુજબ ભારતમાં લગભગ 2 કરોડ બાળકો રસ્તાઓ પર જીવન વિતાવે છે, જેમાંથી 80 ટકાથી વધુ શહેરી વિસ્તારોમાં રહે છે. આ આંકડા ગીચ વસતીવાળા શહેરોમાં લાંબા ગાળાની અને સતત મદદની જરૂરિયાત દર્શાવે છે.
આ વિસ્તરણ અંગે ટિપ્પણી કરતા મલબાર ગ્રુપના ચેરમેન શ્રી એમ. પી. અહમ્મદે જણાવ્યું હતું કે, “માઇક્રો લર્નિંગ સેન્ટર્સ સાથેના અમારા કામ દરમિયાન અમે રસ્તા પર રહેતા બાળકોની કઠોર વાસ્તવિકતાઓને નજીકથી જોઇ છે. આ પહેલને વધુ વિસ્તારો સુધી પહોંચાડવી એ અમારી જવાબદારીનો એક ભાગ છે, જેથી વંચિત બાળકોને ભોજન, શિક્ષણ અને સમાજમાં પાછા જોડાવાનો માર્ગ મળી શકે. અમને પૂરો વિશ્વાસ છે કે વ્યવસાયે લાંબા ગાળાનો સામાજિક પ્રભાવ ઊભો કરવા માટે સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ અને અમે આ દિશામાં અમારા પ્રયાસોને સતત મજબૂત બનાવતા રહીશું.”
સ્થાપનાથી લઈને આજ સુધી મલબાર ગ્રુપે તેના નફાના પાંચ ટકા સામાજિક જવાબદારીની પહેલોમાં ખર્ચવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. ‘હંગર ફ્રી વર્લ્ડ’ કાર્યક્રમ હેઠળ ગ્રુપ હાલમાં ભારત, ઝામ્બિયા અને ઇથિઓપિયામાં 1,15,000થી વધુ લાભાર્થીઓને દરરોજ ભોજન પૂરુ પાડે છે. આ ઉપરાંત ‘ગ્રાન્ડમા હોમ’ પ્રોજેક્ટ દ્વારા ગરીબ અને નિરાધાર મહિલાઓને રહેવા માટે સુરક્ષિત આશ્રય અને જરૂરી સુવિધાઓ આપવામાં આવે છે.
મલબાર ગ્રુપની સીએસઆર પહેલોમાં મહિલા સશક્તિકરણ, આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણની ટકાઉતા જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ગ્રુપે સામાજિક વિકાસ કાર્યક્રમોમાં રૂ. 376 કરોડથી વધુનું રોકાણ કર્યું છે, જેના કારણે 18 લાખથી વધુ લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર આવ્યો છે.


