
અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં સત્તાવાર ભાષા હિન્દીના ઉપયોગ અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી અને હિન્દીના મહત્તમ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે, અમદાવાદ મંડળના ઇ-પત્રિકા “રાજભાષા આશ્રમ સૌરભ” ના 50મા અંકનું વિમોચન કરવામાં આવ્યું. હિન્દીના પ્રચાર-પ્રસારના હેતુથી આયોજિત આ બેઠકમાં સાહિત્યકાર જયશંકર પ્રસાદની જન્મજયંતિ પણ ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે હિન્દી સાહિત્ય પર આધારિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.રાજભાષા હિન્દીને પ્રોત્સાહન આપવા માટે “રાજભાષા રત્ન” એવોર્ડ યોજના હેઠળ હિન્દીમાં ઉત્તમ કાર્ય કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને મંડળ રેલ પ્રબંધક દવારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. મંડળ રેલ પ્રબંધકે સત્તાવાર ભાષા હિન્દીના ઉપયોગને રાષ્ટ્રીય ચેતના અને ગૌરવ સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે નિર્દેશ આપ્યો કે વિવિધ વિભાગીય નિરીક્ષણોમાં રાજભાષા સંબંધિત ફકરાઓ શામેલ કરવા જોઈએ અને પ્રગતિ પર દેખરેખ રાખવા માટે ચેકલિસ્ટ લાગુ કરવામાં આવે.બેઠકના ઉપાધ્યક્ષ અને અપર મંડળ રેલ પ્રબંધક (પરિચાલન) શ્રી લોકેશ કુમારે રાજભાષા હિન્દીના ક્ષેત્રમાં થઈ રહેલી પ્રગતિની પ્રશંસા કરી અને તેને નિરંતર ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ પ્રસંગે, મંડળના રાજભાષા અધિકારી શ્રી હાફિઝ ખાન સહિત તમામ વિભાગાધ્યક્ષ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ અનુવાદક શ્રી વિજય મલિક દ્વારા કરવામાં આવ્યું હતું.