
પ્રસિદ્ધ આદ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચાલી રહેલી તેમની કથા દરમિયાન ધર્માંતરણ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. બુધવારે કથાને સંબોધતા, તેમણે સનાતન ધર્મ પ્રત્યે અડગ રહેવાનું આહ્વાન કર્યું અને બળજબરીથી અથવા ભ્રમજાળ દ્વારા કરવામાં આવતા ધર્માંતરણની નિંદા કરી. મોરારી બાપુએ જણાવ્યું કે, “આપણે બીજા ધર્મો વિશે ઘણી ચર્ચા કરી છે, પણ આપણે આપણા પોતાના ધર્મને કેમ ભૂલી રહ્યા છીએ? આપણી ઓળખનો આત્મા સનાતન ધર્મમાં રહેલો છે, અને તેના વિના બધું અધૂરું છે.” કેટલીક જગ્યાએ ધર્મ પરિવર્તનના અહેવાલોનો ઉલ્લેખ કરતા, તેમણે આ ખોટા પ્રચાર અને ખાસ કરીને બાળકોને ગેરમાર્ગે દોરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓની ટીકા કરી. રાજસ્થાનના બાંસવાડાના ઉદાહરણનો ઉલ્લેખ કરતા, મોરારી બાપુએ કહ્યું કે ત્યાંના આખા ગામને ધર્માંતરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું હતું. તેમણે જણાવ્યું કે, “ઈશુ ખ્રિસ્તે ક્યારેય આ પ્રકારના કાર્યો કર્યા નથી. તેઓ એક નિર્દોષ અને કરુણામય વ્યક્તિ હતા. પરંતુ, સમય જતાં કેટલીક પરંપરાઓ આવી કે જે ભ્રમજાળ ફેલાવવાનું કામ કરે છે.” તેમણે કેટલીક એવી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો જ્યાં બાળકોને ધાર્મિક ચિહ્નોની તુલના કરી તેમની શ્રદ્ધા ને નબળી બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આવી ઘટનાઓ દર્શાવે છે કે આપણાં આધ્યાત્મિક મૂલ્યોને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. મોરારી બાપુએ એક એવા કિસ્સાનો પણ ઉલ્લેખ કર્યો જ્યાં એક સમુદાયે તેના સનાતન ધર્મને ફરીથી અપનાવ્યો, એક ચર્ચને મંદિરમાં રૂપાંતરિત કર્યું અને પાદરીની જગ્યાએ એક પૂજારીની સ્થાપના કરી. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો ઉદ્દેશ કોઈપણ પ્રકારનો વિભાજન ઊભું કરવાનો નથી, પણ હિંદુ સમાજને તેની પરંપરા અને ધાર્મિક ઓળખ પ્રત્યે જાગૃત કરવાનો છે. તેમણે જણાવ્યું, “અમે અહીં કોઈનો વિરોધ કરવા કે કઈ તોડવા આવ્યા નથી. જે ભુલાઈ ગયું છે તેને જગાડવા આપણે આવ્યા છીએ. સાચી સેવા જરૂરિયાતમંદોના ઉત્થાનમાં છે, ધર્મના નામે વિભાજન કરવામાં નહીં.”મોરારી બાપુએ ધાર્મિક અને સામાજિક દબાણની ઘટનાઓ પર પણ ચિંતા વ્યક્ત કરી અને એક વીડિયોનો ઉલ્લેખ કર્યો જેમાં એક હિંદુ યુવકને મંદિરની રક્ષા કરવા માટે નિષ્ઠુરતાથી માર મારવામાં આવ્યો. તેમણે કેટલીક મહિલાઓ વિશે પણ વાત કરી જેમણે કહ્યું કે તેમને તેમના પોતાનાં જ સમુદાયમાં પોતાની શ્રદ્ધા જાળવી રાખવા બદલ વિરોધનો સામનો કરવો પડ્યો. તેમણે આવા મુદ્દાઓના ઉકેલ માટે કાનૂની અને સામાજિક પગલાં લેવાની અપીલ કરી અને સ્થાનિક નેતાઓ અને પ્રશાસનની નિષ્ક્રિયતા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે ફરી એક વાર ખુલાસો કર્યો કે તેમનું મંચ વિરોધ માટે નહીં, પણ જાગૃતિ માટે છે. “સનાતન ધર્મ સત્ય, કરુણા અને સેવાના મૂલ્યો પર આધારિત છે. મારી હિંદુ સમાજને વિનંતી છે કે તેઓ તેમના વારસાને ઓળખે અને ભક્તિથી તેમના ધર્મની સેવા કરે અને બહારના પ્રભાવોથી ગેરમાર્ગે ન દોરાય.”સોનગઢ ખાતે ચાલી રહેલી આ રામકથા મોરારી બાપુની 953મી કથા છે. કથામાં દેશ-વિદેશના હજારો શ્રદ્ધાળુઓ ભાગ લઇ રહ્યા છે.