![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/16-1024x682.jpeg)
થોડા દિવસો પહેલા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે એક અત્યંત દુઃખદ ઘટના થવા પામી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર એ ગામના પાંચ લોકોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયા હતા. મળતી માહિતી મુજબ એક બાળક નો પગ લપસતા તે તળાવમાં ડૂબવા લાગ્યું હતું જેને બચાવવા વારાફરતી પરિવારના અન્ય સભ્યોએ કોશિશ કરી હતી એ દરમિયાન કુલ મળીને પાંચ લોકો તળાવમાં ડૂબી ગયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭૫,૦૦૦ ની સહાય મોકલી છે જે રાધનપુર સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવશે. મહુવા અને તળાજા ખાતે થોડા દિવસ પહેલાં ત્રણ લોકોનાં અકસ્માતમાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ રુપિયા પંદર હજાર લેખે રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા અર્પણ કરવામાં આવશે. અકસ્માતની ત્રીજી એક ઘટનામાં વડોદરા નજીક ડભોઇ પાસે અકસ્માતમાં બે લોકોના મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. વિવિધ ઘટનાઓ માં કુલ મળીને રુપિયા ૧,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.