
અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે બે દિવસથી ‘નારી સ્વાભિમાન આંદોલન’ના અંતગર્ત ધરણાં પર બેઠેલા પરેશ ધાનાણીએ આજે અડધા દિવસ માટે અમરેલી બંધની અપીલ કરી હતી. આ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આગામી 22મી તારીખ સુધી અમરેલીમાં 144મી કલમ લાગુ કરવામાં આવી છે.સતત 48 કલાકથી દિકરી પાયલને ન્યાય અપાવવા માટે ઉપવાસ પર બેઠેલા પરેશ ધાનાણીએ આજે આંદોલન પૂર્ણ કર્યું હતું. ત્યારે આજે પરેશ ધાનાણીએ અમરેલીના લોકોને દુકાનો સ્વૈચ્છિક દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં કરી હતી. અમરેલી શહેરમાં સવારે 8:00 વાગ્યાથી બંધને પ્રતિસાદ મળી રહ્યો છે. અમુક વિસ્તારોમાં દુકાનો બંધ છે જ્યારે કેટલાક વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી રહી છે. આ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
કૌશિક વેકરીયા અને હર્ષ સંઘવીનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ :
પરેશ ધાનાણીએ માંગ કરી હતી કે આ બનાવ જેના કારણે બન્યો છે, જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે, તે સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાનો નાર્કો ટેસ્ટ કરવાની મુખ્યમંત્રીને વિનંતી કરું છું. આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી અને રાજ્યના ગૃહમંત્રી તાત્કાલિક ચાર્ટર્ડ પ્લેન દ્વારા અમરેલી આવી પહોંચે. આ સાથે ધાનાણીએ સવાલ કર્યો કે શું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની આ પ્રકરણમાં સંડોવણી છે? તે ગુજરાત જાણવા માંગે છે. કૌશિકભાઈ, હર્ષભાઈ અને અમરેલી એસ. પી. વચ્ચે આ સમયગાળા વચ્ચે કેટલી વખત વાતચીત થઈ, શું વાતચીત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે. એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે તેવી આ મંચ પરથી સમિતિ માંગણી કરવામાં આવે છે. ‘નારી સ્વાભિમાન આંદોલન’ના પ્રથમ દિવસે લલિત કગથરાએ મંચ પરથી ભાજપના નેતાઓને ખુલ્લું આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમરેલી પોલીસનું નિંદનીય વર્તણૂક છે. નારણભાઈ કાછડિયાને પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે અમરેલીના ચોકમાંથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આવો નારણભાઈ સિંહના કલેજા સાથે આ દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી આપ લડાઈ કરો. ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જે મૂંગા રહીને સમર્થન આપે છે. તેમને કહીશ કે ખુલ્લામાં આવો, કોઈના ડરો છો. તમારા અંતર આત્મા ક્યાં ગયા છે? ભાજપના હોદ્દા લઈને મરી ગયા છે ? આ મામલે ભાજપ-કોંગ્રેસ નથી કરવાનું. દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ લડો. આપ સૌને ખુલ્લું આમંત્રણ છે.
શું હતી સમગ્ર ઘટના? :
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી.