
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) અને ગોવા સરકારે ગોવાના યુવાનોને બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને ઇન્શ્યોરન્સ (બીએફએસઆઈ) સેક્ટરમાં ઉદ્યોગ સંબંધિત કુશળતાઓથી સજ્જ કરવાના ઉદ્દેશથી સ્ટુડન્ડ સ્કીલિંગ પ્રોગ્રામ લોન્ચ કરવા માટે હાથ મિલાવ્યા છે. બંને એકમો વચ્ચે આ અંગે સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે બીએફએસઆઈ સેક્ટરમાં યુવા વર્ગના લોકોને ઉદ્યોગ સંબંધિત કુશળતાઓથી સક્ષમ કરવા અને તેમની નોકરીની તકો વધારવા માટેનું એક મહત્વનું પગલું છે. ગોવા એ યુવા વર્ગને કુશળ બનાવવા માટે એનએસઈ સાથે ભાગીદારી કરનારું ઉત્તરાખંડ, મેઘાલય, છત્તીસગઢ અને આસામ પછીનું પાંચમું રાજ્ય બન્યું છે.ગોવાના સાંક્યુલિમની ગવર્મેન્ટ કોલેજ ઓફ આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગોવા સરકારના ઉચ્ચ શિક્ષણ નિયામક કચેરીના ડિરેક્ટર શ્રી ભૂષણ કે સવાઇકર અને એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી શ્રીરામ કૃષ્ણન વચ્ચે આ એમઓયુ કરવામાં આવ્યો હતો જેમાં ગોવાના માનનીય મુખ્ય પ્રધાન ડો. પ્રમોદ સાવંત ઉપસ્થિત રહ્યા હતા.જો યુવા વર્ગને યોગ્ય કુશળતાઓથી સજ્જ કરવામાં આવે તો ગોવા તેની વિસ્તરતી નાણાંકીય ઇકોસિસ્ટમ સાથે આ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે સારી સ્થિતિમાં છે. એનએસઈની સ્ટુડન્ટ સ્કીલિંગ પ્રોગ્રામ પહેલ ગોવા સરકારના માનવ મૂડી અનલોક કરવાના વિઝન સાથે જોડાયેલી છે જે નાણાંકીય સુખાકારી અને સામાજિક ગતિશીલતાને સક્ષમ કરે છે. એનએસઈ અને ગોવા રાજ્યે સ્કીલ ડેવલપમેન્ટને પ્રાથમિકતા આપી છે અને કુશળતાના અંતરને ઘટાડવા તથા રાજ્યના યુવા વર્ગ માટે રોજગારીની તકો વધારવા માટે પ્રતિબદ્ધ છે.સ્ટુડન્ટ સ્કીલિંગ પ્રોગ્રામ બે સ્તરોમાં હાથ ધરવામાં આવશે. લેવલ 1 એ 20 કલાકનો ટ્રેનિંગ પ્રોગ્રામ છે, જે પૂર્ણ થવા પર વિદ્યાર્થીઓને ‘ફાઉન્ડેશન કોર્સ ઈન બીએફએસઆઈ’નું પ્રમાણપત્ર આપવામાં આવશે. આનાથી વિદ્યાર્થીઓને વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ બંને સુનિશ્ચિત કરીને આવશ્યક ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ સ્કીલથી સજ્જ કરવામાં આવશે. લેવલ 2 એ 30 કલાકનો અદ્યતન ટ્રેનિંગ પ્રોગ્રામ છે જે વિદ્યાર્થીઓને એનઆઈએસએમ નિયમનકારી પરીક્ષા માટે તૈયાર કરવા માટે બનાવવામાં આવ્યો છે. સફળ ઉમેદવારો દેશવ્યાપી ઉદ્યોગ-માન્યતાપ્રાપ્ત પ્રમાણપત્ર મેળવશે અને કેપિટલ માર્કેટમાં તેમની નોકરીની સંભાવનાઓને વધારશે.એનએસઈના એમડી અને સીઈઓ શ્રી આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે ગોવા સરકાર સાથેની આ ભાગીદારી બીએફએસઆઈ ક્ષેત્રમાં કૌશલ્યના તફાવતને દૂર કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. માળખાકીય, ઉચ્ચ ગુણવત્તાવાળી તાલીમ આપીને, અમે ભવિષ્ય માટે તૈયાર અને નાણાંકીય ઉદ્યોગની વિકસતી જરૂરિયાતો સાથે સંલગ્ન હોય તેવા કર્મચારીઓ તૈયાર કરવાનું લક્ષ્ય રાખીએ છીએ.ગોવાના મુખ્ય પ્રધાન ડો. પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ગોવા સરકાર વચ્ચે આ સમજૂતીપત્ર પર કરાયેલા હસ્તાક્ષર એ ગોવાના યુવા વર્ગને બેંકિંગ, નાણાંકીય સેવાઓ અને વીમા ક્ષેત્રે ઉદ્યોગ સંબંધિત કૌશલ્યોથી સજ્જ કરવાની અમારી પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ સ્ટુડન્ટ સ્કીલિંગ પ્રોગ્રામ અમારા પ્રતિભાશાળી યુવા વર્ગ માટે આકર્ષક કારકિર્દીના દ્વાર ખોલશે અને મૂડી બજાર ક્ષેત્રે કુશળ વ્યવસાયિકો માટેની વધતી માંગને પણ સંતોષશે. એનએસઈ જેવી અગ્રણી સંસ્થાઓ સાથે ભાગીદારી કરીને અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓ એવી વિશ્વકક્ષાની તાલીમ મેળવે જે ઉદ્યોગના ધોરણો અને ઊભરતા વલણો સાથે મેળ ખાતી હોય. આ સહયોગ એ ગોવાને નોલેજ હબ બનાવવાના અને વૈશ્વિક અર્થતંત્રમાં યુવાનોને ટકી રહેવા માટે સશક્ત બનાવવાના અમારા સરકારના વિઝનનું પ્રમાણ છે.