
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં સહ પરિવાર સાદર સષટાગ પ્રેમ પ્રણામ. જાન્યુઆરી શરૂ થયો અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશવા ઉત્સુક હશે, પણ સંતાનો પાછાં જતાં રહેશે એ વિચારે મારી મમતા અત્યારથી અસ્ત તરફ ગતિ કરી રહી છે, અને એમાં ઘરમાં દાદીનો ખાટલો, એટલે એમાં ગમે તેટલું ચિંતન કરીએ તોય, હરક્ષણ સ્થિર રહેવું મુશ્કેલ છે! આપણાં શાસ્ત્રો કહે છે કે, આપણી મા જ આપણી ગુરુ છે કે, સાધુ છે, જે ખૂબ ઉચી પદવી ધરાવે છે, છતાં સાવ સામાન્ય રહે છે, જોકે એટલી હદે સમજાયું ત્યારે એ ધરા છોડી ચૂકી હતી! મા અને સંતાનનો સંબંધ એવો છે કે, એને વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. જેમ સંતાન દુઃખી થાય, ત્યારે એને સૌથી પહેલા એની મા યાદ આવે, એમ મા પણ દુઃખી થાય ત્યારે એને પણ પોતાના સંતાનો જ યાદ આવે.. પણ જીવનનો એક પડાવ એવો આવે કે, જ્યારે સંતાન મોટા થાય અને એને પણ પોતાના પરિવાર શરૂ કરી દીધાં હોય, અને મા થી દૂર વસવાટ કરવાનું થાય, અને પાછાં એ તો પોતાનામાં વ્યસ્ત થઈ જાય, ત્યારે મા માટે બહુ કઠિન સમય આવે. ઉપરથી ત્યારે જ ઋતુ ચક્ર અનુસાર પણ સ્ત્રીના જીવનમાં ઉત્સેચકો નું વધવું ઘટવું થતું હોય, એટલે શારીરિક અને માનસિક, બંને રીતે એને સંતુલન કરવું ક્યારેક અઘરું પડે! અને એવાં કંઈક ઉતાર ચડાવ ને પસાર કરી સ્ત્રી પોતાના મનોભાવને સ્થિર રાખી શકે તો એ સ્ત્રી સાધુ ચરિત ધરાવે છે, એમ કહી શકાય. સદગુરુ કૃપાથી જીવન સરિતા મમતા, સમતા, અને સમસ્તના ત્રિવિધ ઘાટે, અલગ-અલગ રોમાંચ અનુભવતી આગળ વધતી રહે છે. ડર, ભય, શોક, રોગ, આ જુદા-જુદા મનોભાવોને દરેક ખૂણેથી તપાસતી તપાસતી જીવનને હરપળ ઉજ્જવળ બનાવવા મથી રહી છે. પુજ્ય બાપુના કહેવા પ્રમાણે ભૂતકાળ શોક અપાવનાર, ભવિષ્ય ભય આપનાર, અને વર્તમાન અત્યારે મનોરોગથી પીડિત છે. અત્યારના સમયનો સમાજ આધુનિકતાના અનોખા વાયરસથી ગ્રસીત છે, એટલે ટૂંકમાં લગભગ બધા મનોરોગથી પીડીત છે. હા ક્યારેક માનવતાના ઉત્તમ મૂલ્યો, આપનારા ચરિત્ર પણ જોવા મળે છે. જે કોઈપણ સમયે કોઈને કોઈ રીતે મદદ કરવા માટે તત્પર છે. જ્યારે અમુક લોકો સંપૂર્ણપણે માનવતા ભૂલી જાય છે, અને સગાં માતાપિતા પણ એની માટે બોઝ રૂપ બને એવા લોકો જોવા મળે છે. નિત્ય વહેતી આ ચિંતનની ધારામા આ બધું જ તટસ્થતાથી જોઈને, લોક માનસની માનસિકતાનો તાગ મેળવવાની કોશિશ કરાય છે. સાધુ ચરિત ધરાવતા લોકોની સમયસરની જાગૃતિને કારણે જ સમાજ ટકી રહ્યો છે. એમની માટે શોક કરવા જેવી કોઇ ઘટના નથી, કે કોઈ ઘટના ભય પમાડતી નથી, છતાં સાવધાની જરૂરી છે.
હવે આજનું ચિંતન સાધુ શબ્દ પરનું છે. સામાન્ય રીતે સાધુ શબ્દ કાને પડતાં જ આપણા માનસે એક ચિત્ર અંકિત થાય છે, જેમાં ભગવા વસ્ત્ર પહેરેલા હોય, હાથમાં કમંડળ હોય, ગળામાં રુદ્રાક્ષની માળા હોય, માથે જટા હોય તેવી વ્યક્તિ એટલે સાધુ.આને તો સાધુ કહેવાય પણ શું ફક્ત બાહ્ય દેખાવને અનુસરીને આપણે કોઈને સાધુ કહેવું પર્યાપ્ત છે. એમ તો રાવણ પણ સાધુનો વેશ પહેરીને જ આવ્યો હતો ને! એટલે બાહ્ય દેખાવને જોઈને કોઈને સાધુની પદવી આપવી તે યોગ્ય નથી. આપણે ઉપર જોયું તેમ સાધુ આમતો આંતરિક વૃત્તિઓને આધારે નક્કી થતાં હોય છે, અથવા તો સદ્ વૃત્તિને કારણે નક્કી થતું પદ છે, વૃત્તિ નો વૈરાગ્ય એ સાધુનું પ્રથમ લક્ષણ છે. સાધુ કે સંતએ સમાજનું ઘરેણું છે, અને આવા બુદ્ધ પુરુષોને કારણેજ સમાજ દીપી ઉઠે છે. સંસારમાં પ્રત્યક્ષ ન રહીને તે સંસારીઓનું માર્ગદર્શન કરે છે.તો સાધુ એટલે જે ફક્ત ભગવા પહેરે તે નહીં,પણ જેણે વિષયી વૃત્તિ ઓને ભગવા પહેરાવી વૈરાગ્ય લીધો હોય તે, જેનું અંત કરણ ગંગા જેવું નિર્મળ ને પવિત્ર હોય તે,જે સર્વ જન હિતાય જ જીવતા હોય,લોક મંગલ સિવાય તેના મનમાં બીજો કોઈ વિચાર ન હોય.તેના શ્વાસ અને ઉચ્છવાસ બંનેમાં પ્રેમ જ હોય. તેના દ્વાર પર રાય રંકના ભેદ ન હોય, દુનિયા દેખતાં તે એકદમ સામાન્ય છે, પણ ભીતર તેણે બ્રહ્માંડનું નિર્માણ કરેલું હોય છે,જ્યાં અપરંપાર અજવાળા છે.અને અસ્તિત્વ તેના વચનને પુરું કરવા કટિબદ્ધ બંને છે. પ્રકૃતિનાં પાંચેય તત્વો જાણે તેની ઈચ્છાને અનુસરતા હોય તેવું લાગે છે. ઘણી વાર મોટી હાની ટળી જતાં આપણે નજરે જોઈ છે. દાખલા તરીકે વાવાઝોડા દરિયાથી ફંટાઈને જતા રહે, અતિવૃષ્ટિમાં જાનહાની ન થવી,તો દુષ્કાળમાં એટલો ભૂખમરો ન થવો, વગેરે કોઈ સાધુની રહેમ કે કૃપાનું કારણ હોય છે.સાધુની સીધી વ્યાખ્યા કરવી હોય તો!
જે સરળ છે,જે સહજ છે,જે સાલસ, એટલે નિખાલસ છે
જે સહનશીલ છે,જે શૂરવીર છે.જે સંવેદનશીલ છે.
જે સંતોષી છે.જે સ્પષ્ટ છે, પારદર્શક છે, જે શ્રદ્ધાવાન છે.
જે ક્ષમાવાન છે. જે શાંત છે.
બાપુ વારંવાર સાધુની વ્યાખ્યા કરતાં જ હોય છે કારણકે દેશકાળ એવો છે કે સાચા સાધુ મળવા મુશ્કેલ છે, અને જો ઠગ ભટકાઈ જાય તો જીવન બગાડી નાખશે, એટલે જ એ કથામાં એક ભજનની વાત કહે છે, “શાંતિ પમાડે તેને સંત કહીએ રે”સાધુનાં ગુણોની યાદી તો આનાથી પણ વધુ લાંબી થઈ શકે, એની માટે ફક્ત તેનો બાહ્ય દેખાવ જરૂરી નથી, એ પેન્ટ શર્ટમાં પણ સાધુ થઈ શકે, સાડીમા પણ સાધુ વૃતિ ધરાવી શકે, અને સૌથી મહત્વની વાત તે સૌને સ્વીકારી સ્નેહ સેતુ બાંધે છે. તેની માટે પોતાનાની વ્યાખ્યામાં પરિવાર નહીં વસુધૈવ કુટુંબ આવી જતું હોય છે. હાલતું ચાલતું જાણે કે સદવિચાર અને સદવૃત્તિનું ઠેકાણું હોય છે.તે ઈશ્વર સન્મુખ હોય છે,તો ક્યારેક ઈશ્વર સ્વરૂપ પણ લાગે છે. આપણને તેના દર્શન કરતાં સાક્ષાત્કાર થયાની અનુભૂતિ થાય છે.તે સૌને પોતાના પ્રભાવથી નહીં, પણ સ્વભાવથી વશ કરે છે.જીવનના હર મોડ પર તે આપણી સાથે જ છે, તેવો અહેસાસ થાય છે.અને આવા સાધુ પુરુષથી ભારતીય સંસ્કૃતિ લબોલબ ભરેલી છે, એટલે આજ સુધી તેની બોલબાલા છે.
તો સાધુ એટલે ફક્ત ભગવો વેશ પરિધાન કરી, ગિરનાર કે હિમાલયની ગિરી કંદરામાં સંસાર છોડીને ભ્રમણ કરતા દેખાય તે માત્ર નહીં! પણ આપણા જ સમાજનું જે એક અભિન્ન અંગ બની, સતત આપણી સાથે ચાલે અને સત્ય પ્રેમ ને કરુણાની રાહ પર ચાલવા માર્ગદર્શન આપે..કારણ કે એ ફક્ત શબ્દ વિલાસ નથી પણ સદગુરુનો પ્રસાદ છે, જે ઈશની અનુકંપાથી મારે ભાણે આવ્યો છે, અને એને હું હું બસ આ રીતે સર્વ માં બાટી રહી છું. અહી લેશમાત્ર અહમ નથી, માત્ર પ્રેમ પ્રેમ ને પ્રેમ જ છે. આપણી આસપાસ વસતા લોકોમાંથી જ આવાં કોઈ સાધુ ચરિત્રને ચરણે રહેવાનો આપણને સૌને મોકો મળે, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને વિરામ આપું છું. તો ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, જીવન સરિતાના નવા ઘાટે સ્નાન કરવા. સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


