
ભારતે નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ગઈકાલે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાન પોતાની હાર પચાવી રહ્યું નથી. તેના મંત્રીઓ અને ટીમના ખેલાડીઓ ભારત પર બળાપો કાઢી રહ્યા છે. ભારતની જીત પર અભિનંદન પાઠવવા બદલ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પીએમ મોદી પર પ્રહાર કરતું નિવેદન આપ્યું હતું. પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ક્રિકેટની સંસ્કૃતિ અને ભાવનાને નષ્ટ કરી વડાપ્રધાન મોદીએ શાંતિ અને સમાધાનની સંભાવનાઓ ખતમ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાની કેપ્ટનની આ નિર્લજ્જતાથી ભારત સહિત વિશ્વભરમાં ટીકાઓ થઈ રહી છે.ગઈકાલે 28 સપ્ટેમ્બરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીત બદલ પીએમ મોદીએ શુભકામના પાઠવી હતી. તેમણે ટીમ ઈન્ડિયાના વખાણ કરતાં સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી કે, ‘રમતના મેદાન પર ઓપરેશન સિંદૂર, પરિણામ એ છે- ભારતે ફરીથી જીત હાંસલ કરી, આપણા ક્રિકેટર્સને અભિનંદન.’પીએમ મોદીની આ પોસ્ટથી ખ્વાજા આસિફ ઉકળ્યા હતા. અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે, ‘મોદી ઉપમહાદ્વિપમાં ક્રિકેટની સંસ્કૃતિ અને લાગણીને નષ્ટ કરી રહ્યા છે. તેઓ શાંતિ અને સમાધાનની સંભાવનાઓને ખતમ કરી રહ્યા છે.’ આ પોસ્ટથી ખ્વાજા આસિફે સંકેત આપ્યો છે કે, તેઓ ભારત સાથે સમાધાન મુદ્દે વાતચીત કરવા માગતા નથી. જો કે, આ પ્રકારનું નિવેદન આપનારા ખ્વાજા એ ભૂલી ગયા છે કે, ભારત સાથે વિવાદની શરૂઆત પાકિસ્તાનના આતંકવાદીઓએ કરી હતી. તેઓ આતંકવાદને સમર્થક આપી રહ્યા હોય તેવો ઈશારો કરી રહ્યા છે.


