સૌરાષ્ટ્રનો ચહેરો પાટીદાર “મનસુખ માંડવિયા” બની શકે છે ગુજરાતના નવા મુખ્યમંત્રી..?

0
44
ભાજપના 150+ બેઠકોના ટાર્ગેટ માટે પર્ફેક્ટ ચોઇસ, મોદી અને શાહ બંનેના વિશ્વાસુ અને પાટીદારના બંને જૂથમાં માંડવિયા સૌથી વધુ લોકપ્રિયતા-સ્વીકાર્યતા ધરાવે છે
ભાજપના 150+ બેઠકોના ટાર્ગેટ માટે પર્ફેક્ટ ચોઇસ, મોદી અને શાહ બંનેના વિશ્વાસુ અને પાટીદારના બંને જૂથમાં માંડવિયા સૌથી વધુ લોકપ્રિયતા-સ્વીકાર્યતા ધરાવે છે

ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીએ અચાનક આપી દીધેલા રાજીનામા બાદ હવે શું થશે એ સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે. જોકે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ પાટીદાર નેતા પુરુષોત્તમ રૂપાલાએ ‘સનવિલા સમાચાર’ સાથે વાતચીતમાં અંદાજો આપ્યો છે કે, આજે રાત્રે જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અલબત્ત આજે સવારે સરદારધામમાં થયેલા કાર્યક્રમ બાદ જે રીતે ઘટનાઓ બની તેને જોતાં પાટીદાર જ ગુજરાતના નવા મુખ્યમંત્રી બને તે લગભગ નક્કી છે. વિશ્વાસપાત્ર વર્તુળોએ તો ત્યાં સુધી જણાવ્યું છે કે, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનશે. આ ઉપરાંત પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયા અને પરસોત્તમ રૂપાલાના નામોની પણ ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદમાં સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ સાથે જ વડાપ્રધાન મોદીએ સરદારધામ ફેઝ -2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે કોઈપણ શુભ કાર્ય પહેલાં આપણે ત્યાં ગણેશ પૂજાની પરંપરા છે અને સદભાગ્યે ગણેશ ઉત્સવના પવિત્ર તહેવારના અવસરે સરદારધામ ભવનનું ઉદઘાટન પણ થયું છે. તદુપરાંત પાટીદાર સમુદાયે વેપારક્ષેત્રે દેશને હંમેશાં નવી ઓળખ આપી છે. આ કાર્યક્રમ બાદ જ રૂપાણી સીધા રાજભવન ગયા અને રાજીનામું આપ્યું તે સ્પષ્ટ સંકેત આપે છે કે નવા મુખ્યમંત્રી પાટીદાર જ હોઈ શકે છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો ત્યારથી સી આર પાટીલ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 150+ સીટ જીતાડવાના ટાર્ગેટની ચર્ચા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ સ્વપ્ન છે કે ગુજરાતમાં ભાજપ 150થી વધુ બેઠકો જીતે અને નવો વિક્રમ રચે. આ સ્વપ્નને સાકાર કરવા ભાજપને આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજની સખત જરુર છે. પરંતુ હાલ પાટીદાર સમાજ ભાજપને ભયંકર નારાજ હોવાના સંકેતો મળતાં ભાજપે જૈન સમાજના રૂપાણીને હટાવીને પાટીદારને જ ગુજરાત સરકારના નવા સુકાની બનાવવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે. મનસુખ માંડવિયા કુનેહપૂર્ણ પાટીદાર નેતા છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ વડાપ્રધાન મોદી ઉપરાંત ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહની પણ ગુડબુકમાં છે. કોરોના મહામારી દરમિયાન ગુજરાત ભાજપમાં સરકારની છબિ બગડે નહીં તે માટે ઘણી ખરી કામગીરી માંડવિયાએ પાર પાડી હતી. આ ઉપરાંત પાટીદાર સમાજના બંને ફાંટા- કડવા અને લેઉઆમાં તેમની સારી સ્વીકાર્યતા છે. સ્વભાવે મૃદુભાષી હોવા ઉપરાંત માંડવિયા પ્રામાણિક નેતાની છબિ ધરાવે છે અને સમાજના અન્ય વર્ગોમાં પણ તેમની લોકપ્રિયતા છે. એક વાત એવી પણ આવી છે કે આજે રૂપાણી રાજીનામું આપવા ગાંધીનગર રાજભવન ગયા અને તેમણે રાજીનામાંની જાહેરાત કરી ત્યારે માંડવિયા ઉપરાંત રુપાલા પણ તેમની સાથે હાજર હતા. બીજીતરફ ગુજરાત ભાજપ સંગઠનમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાનું કદ સતત વધી રહ્યું છે અને તેને જોતાં પાટીદાર સમાજમાંથી રુપાલા અથવા ઝડફિયામાંથી કોઈ એકને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. અલબત્ત સૂત્રોનું તો એવું જ કહેવું છે કે, માંડવિયા જ નવા મુખ્યમંત્રી બની શકે છે.
વિજય રૂપાણીએ મીડિયા સામે હિન્દીમાં રાજીનામાની સ્પીચ આપી હતી. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, મારા જેવા એક પાર્ટીના કાર્યકરને મુખ્યમંત્રી પદની જવાબદારી આપવા બદલ હું ભારતીય જનતા પાર્ટી પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિશેષ માર્ગદર્શન મળતું રહ્યું છે. વડાપ્રદાનના નેતૃત્વ તેમજ માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસના નવા આયામો સર કર્યાં. ગુજરાતની વિકાસ યાત્રામાં યોગદાન આપવા માટે મને પાંચ વર્ષ મળ્યાં તેના બદલ હું પીએમ મોદીજીનો આભાર વ્યક્ત કરું છું. ” હવે હું માનું છું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાતની આ વિકાસયાત્રા કોઈ નવા નેતૃત્વ સાથે આગળ વધવી જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને હું ગુજરાતના મુખ્યમંત્રી પદે પરથી રાજીનામું આપી રહ્યો છું. ભારતીય જનતા પાર્ટીની એ પરંપરા રહી છે કે સમયાંતરે કાર્યકર્તાઓની જવાબદારી પણ બદલાત રહે. આ અમારી પાર્ટીની ખાસિયત કે છે કે જે જવાબદારી પાર્ટી તરફથી સોંપવામાં આવે છે, પાર્ટી કાર્યકર્તા પૂરી લગનથી તેનું નિર્વાહન કરે છે. મુખ્યમંત્રી તરીકેની ફરજ નિભાવ્યા બાદ હવે મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામું અપીને પાર્ટીના સંગઠનમાં નવી ઉર્જા સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પાર્ટી તરફથી મને જે પણ કામ સોંપવામાં આવશે તે કામ હું વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ કરતો રહીશ. સ્થાનિકથી લઈને પેટા ચૂંટણીમાં ગુજરાતની જનતાનું પાર્ટી અને સરકારને પાંચ વર્ષમાં ખૂબ સમર્થન મળ્યું છે, હું ગુજરાતની જનતાનો આભારી છું. ગુજરાતની જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે, અને મારા માટે સતત જનહિતમાં કામ કરવાની ઉર્જાનું બની રહી હતી. અમારી સરકારના શાસનના ચાર આધારભૂત સિદ્ધાંત પારદર્શિતા, વિકાસશીલતા, સંવેદનશીલતા અને નિર્ણાયકતાના આધારે જનતાની સેવા કરવાનો યથાશક્તિ પ્રયાસ કર્યો છે. આ કામમાં મંત્રી મંડળના તમામ સભ્યો, વિધાનસભાના તમામ સાથી, પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકોનો સહયોગ મળ્યો છે. હું તમામનો આભાર વ્યક્ત કરું છું. કોરોનાના કપરા કાળમાં અમારી સરકારે દિવસ રાત અથાગ મહેનત કરીને ગુજરાતની જનતાને યથાસંભવ સુરક્ષિત રાખવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ ટીકાકરણના કામમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. અમે આ બાબતે અનેક કીર્તિમાન પણ બનાવ્યા છે. પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી અમિત શાહ પાસેથી મને પ્રશાસનિક વિષયો પર નવા અનુભવને જાણવાનો અને સમજવાનો મોકો મળ્યો છે. પાર્ટીના કામકાજમાં પણ તેમનો સહકાર અને સહયોગ મારા માટે અમૂલ્ય છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો સહયોગ અને માર્ગદર્શન મારે માટે અતૂટ રહ્યું છે. મારા ત્યાગપત્રથી ગુજરાતમાં પાર્ટીને નવું નેતૃત્વનો અવસર મળશે તથા અમે બધા સાથે મળીને માનનીય વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતની આ વિકાસયાત્રામાં નવી ઉર્જા, નવો ઉત્સાહ, નવા નેતૃત્વ સાથે આગળ લઈને જઈશું.