અરજીમાં હાઈકોર્ટને અપીલ કરાઈ છે કે દિલ્હીમાં કોવિડ-19થી સર્જાયેલી સ્થિતિ વિશે સૌપ્રથમ કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગવામાં આવે
દિલ્હી : ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની બાકીની મેચો પર સંકટના વાદળો છવાયા છે. સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી. તેમાં હાઈકોર્ટ સમક્ષ માગ કરાઈ છે કે IPLની બાકીની મેચો રદ કરવાનો આદેશ કરવામાં આવે. પિટિશનમાં એવી પણ માગણી કરાઈ છે કે પબ્લિક હેલ્થથી વધુ ક્રિકેટ અને IPLને મહત્વ આપવા અંગે કેન્દ્ર, દિલ્હી સરકાર, બોર્ડ અને ડીડીસીએને નોટિસ જારી કરીને આ મામલે જવાબ માગવામાં આવે.આ અરજી દિલ્હીના વકીલ અને સામાજિક કાર્યકર્તા કરણસિંહ ઠકરાલે દાખલ કરી છે. ઠકરાલ હાલ ખુદ સંક્રમિત છે અને દિલ્હીમાં મેડિકલ સુવિધાઓની જે હાલત છે એ જોઈને પરેશાન છે. તેમણએ પોતાની અરજી એક અન્ય વકીલ દ્વારા દાખલ કરી છે. તેમાં હાઈકોર્ટને અપીલ કરાઈ છે કે તેઓ આ મામલે તપાસના આદેશ આપે કે કઈ રીતે જન આરોગ્યના બદલે IPLને વધુ મહત્વ આપવામાં આવ્યું. આ મામલે ઊંડી તપાસ થવી જોઈએ. અરજીમાં જણાવાયું છે કે બાકી મેચોને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.અરજીમાં હાઈકોર્ટને અપીલ કરાઈ છે કે દિલ્હીમાં કોવિડ-19થી સર્જાયેલી સ્થિતિ વિશે સૌપ્રથમ કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગવામાં આવે કે આવી સ્થિતિ કેમ સર્જાઈ. તેના પછી બીસીસીઆઈ અને ડીડીસીએ પાસેથી પણ જવાબ માગવાની માગણી કરાઈ છે. દિલ્હી સરકાર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ નોટિસ મોકલવાની માગણી આ અરજીમાં કરાઈ છે.પિટિશનરે કહ્યું છે કે હાઈકોર્ટને અનુરોધ છે કે તેઓ દિલ્હીમાં IPLની કોઈ પણ મેચ યોજાતા રોકે, કેમકે લોકોનાં આરોગ્યની સુરક્ષા અત્યારના સમયની સૌથી મોટી આવશ્યકતા અને માગ છે. લોકોને હોસ્પિટલોમાં બેડ અને અન્ય જરૂરી સુવિધાઓ મળી રહી નથી. સોમવારે આ મામલો સિંગલ બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવ્યો. આ બેન્ચે અરજી પર સુનાવણીની જવાબદારી બીજી ડિવિઝન બેન્ચને સુપરત કરી છે. હવે આ અંગે બુધવારે 5 મેના રોજ સુનાવણી થશે.