પેટ્રોલમાં ૧૧થી ૧૫ પૈસા, ડીઝલમાં ૧૪થી ૧૬ પૈસા ઘટયા
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ગયા સપ્તાહે ઘટાડાના પગલે ભારતમાં એક દિવસના વિરામ પછી ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો છે. દેશમાં મંગળવારે પેટ્રોલમાં ૧૧થી ૧૫ પૈસા જ્યારે ડીઝલમાં ૧૪થી ૧૬ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ૧૫ પૈસા ઘટતાં પેટ્રોલની કિમત પ્રતિ લીટર રૂ. ૧૦૧.૪૯ અને ડીઝલની કિંમત પ્રતિ લીટર રૂ. ૮૮.૯૨ થઈ હતી. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૪ પૈસા ઘટીને પ્રતિ લીટર રૂ. ૧૦૭.૫૨ થયો હતો. દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈમાં ૨૯મી મેના રોજ પ્રતિ લીટર રૂ. ૧૦૦થી વધુનો ભાવ થયો હતો. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૧૪ પૈસા ઘટીને પ્રતિ લીટર રૂ. ૯૮.૨૭ અને ડીઝલ ૧૬ પૈસા ઘટીને રૂ. ૯૫.૭૬ થયો હતો. મુંબઈમાં ડીઝલનો ભાવ ૧૬ પૈસા ઘટીને પ્રતિ લીટ રૂ. ૯૬.૪૮ થયો હતો. કોલકાતામાં પણ પેટ્રોલમાં ૧૧ પૈસા અને ડીઝલમાં ૧૫ પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર રૂ. ૧૦૧.૮૨ અને ડીઝલની કિંમત રૂ. ૯૧.૯૮ હતી. ચેન્નઈમાં પેટ્રોલનો રીટેલ ભાવ ૯૯.૨૦ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૩.૫૨ રૂપિયા હતો, જે પેટ્રોલમાં ૧૨ પૈસા અને ડીઝલમાં ૧૪ પૈસાનો ઘટાડો દર્શાવે છે. તામિલનાડુ સરકારે પેટ્રોલમાં તાજેતરમાં પ્રતિ લીટર રૂ. ૩નો ટેક્સ કાપ મૂકવાની જાહેરાત કરી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ગયા સપ્તાહે મે ૨૦૨૧ પછી સૌથી નીચા ભાવે ગગડ્યા હતા. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ દિવસમાં બીજી વખત ઘટાડો કરાયો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વે આગામી મહિનાઓમાં એસેટ ખરીદીમાં ટેપરિંગ શરૂ કરવાના સંકેતો આપતાં કોમોડિટીઝના ભાવ ગગડયા હતા અને ડોલરના ભાવ ઊંચકાયા હતા. જોકે, ક્રૂડનો ભાવ સોમવારે અને મંગળવારે 7 ટકા જેટલો વધ્યો હતો. મંગળવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 69.69 ડોલર હતો.દેશમાં ૧૮મી ઑગસ્ટ પછી ડીઝલના ભાવમાં આ પાંચમો ઘટાડો છે. ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૩૩ દિવસ સુધી કોઈ ફેરફાર કર્યા વિના યથાસ્થિતિ જાળવી રાખ્યા પછી ૧૮મી ઑગસ્ટે ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો હતો. યોગાનુયોગ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના મુદ્દે વિરોધ પક્ષો સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માગતા હતા તે સમયમાં ભાવમાં યથાસ્થિતિ જાળવાઈ રહી હતી. દેશમાં છેલ્લે ૧૭મી જુલાઈએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો હતો. દેશમાં ૪થી મેથી ૧૭મી જુલાઈ વચ્ચે પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. ૧૧.૪૪ અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. ૯.૧૪નો વધારો કરાયો હતો. આ વધારાના પગલે દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૦થી ઉપર જતો રહ્યો છે.