
ગુજરાતના કર્મચારીઓ 10 પડતર પ્રશ્નોના નિરાકરણ માટે 17મી સપ્ટેમ્બરે પેનડાઉન હડતાલ કરશે અને છઠ્ઠી ઓક્ટોબર થી 27મી ઓક્ટોબર દરમ્યાન ઝોન પ્રમાણે ધરણાંનો કાર્યક્રમ યોજશે. પડતર પ્રશ્નોમાં કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાનો મુદ્દો ફરી ઉભો કર્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જ જન્મદિવસ પણ છે અને બની શકે તેઓ ગુજરાતની મુલાકાતે પણ આવી શકે છે. આ દિવસે તેઓ ગુજરાતમાં આવવાના પણ છે અને મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરી શકે છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના દ્વારા આંદોલનના કાર્યક્રમો નક્કી થયાં છે. 17મી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં કર્મચારીઓ પેનડાઉન, શટ ડાઉન દ્વારા કામગીરીનો બહિષ્કાર કરશે, જ્યારે ઓક્ટોબરમાં ચાર ઝોનમાંથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી પર આવીને કર્મચારીઓ ધરણાં કરશે.છઠ્ઠી ઓક્ટોબરે મધ્ય ગુજરાત, 13મીએ દક્ષિણ અને ઉત્તર ગુજરાત તેમજ 20 અને 27મીએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી કર્મચારીઓ ગાંધીનગર આવશે. રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્યસચિવને પત્ર લખીને કર્મચારી મહામંડળે તેમના કાર્યક્રમો જાહેર કર્યા છે.જૂની પેન્શન યોજના સહિત મુખ્ય પ્રશ્નોમાં ફિક્સ પગાર અંગે સરકારે સુપ્રીમમાં કરેલી પિટીશન પાછી ખેંચવી, સાતમા પગારપંચના બાકી લાભ આપવા, ગ્રેડ પે ની વિસંગતતા દૂર કરવી, ઉચ્ચતર પગારની વિસંગતતા દૂર કરવી, ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં વારસદારને રહેમરાહે નોકરી, 50 વર્ષ પછીના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ, આઉટ સોર્સિંગ બંધ કરવું તેમજ રાહતદરના પ્લોટનો સમાવેશ થાય છે.