House Arrested Congress Leader: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરાની મુલાકાતે છે. ત્યારબાદ તેઓ અમરેલી રવાના થવાના છે. ત્યારે પીએમના પ્રવાસ ટાણે વડોદરા-અમરેલીમાં કોઇ વિરોધ પ્રદર્શન ન થાય તે માટે કરણી સેનાના પ્રવક્તાને નજરકેદ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અમરેલીમાં એક પછી એક કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ થઈ રહી છે. જેને લઇને કોંગ્રેસ અને કરણી સેનામાં આક્રોશ જોવા મળ્યો છે.
સ્થાનિક નેતાગીરીના સામે લોકોમાં ભારે રોષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આજે (28 ઓક્ટોબર) વડોદરામાં ટાટાની ફેક્ટરીનું ઉદઘાટન કર્યા બાદ તેઓ અમરેલી રવાના થવાના છે. ત્યારે આ ટાળે કોઈ વિરોધ પ્રદર્શન ન થાય તે માટે કરણી સેનાના પ્રવક્તાને રવિવાર (27 ઓક્ટોબર) બપોરથી જ પોલીસ પ્રોકોટેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. જેથી તેઓ કોઈ પ્રોગ્રામમાં જઈ ના શકે.
વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક નેતાગીરીના સામે લોકોમાં ભારે રોષ છે. ત્રણ ત્રણ વખત પૂર આવ્યા પછી લોકો તંત્રની નિષ્ફળતાથી તોબા પોકારી ગયા છે. કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સ્થાનિક તંત્રની નિષ્ફળતા અંગે જાહેરમાં ચાબખા મારવામાં આવ્યા હતા.
વડાપ્રધાન વડોદરા નહીં છોડે ત્યાં સુધી….
વડાપ્રધાન મોદીની મુલાકાત ટાણે તેઓ કોઈ વિરોધ પ્રદર્શિત ન કરે તે માટે રવિવારે બપોરથી જ મહેન્દ્રસિંહ રાઠોડની સાથે બે પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. આખી રાત અને હાલમાં પણ તેઓ પોલીસ જવાનોના પહેરા હેઠળ જ છે. ફેક્ટરીમાં કર્મચારીઓને પગાર કરવાનો હોવાથી તેમણે ગોરવા જવાનું હતું, ત્યારેપણ બે પોલીસ જવાનો તેમની સાથે ગોરવા ગયા હતા. જ્યાં સુધી વડાપ્રધાન વડોદરા નહીં છોડે ત્યાં સુધી કરણી સેનાના પ્રવક્તાને પણ એકલા મૂકવામાં નહીં આવે.
શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરી ચાખબા માર્યા
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે X પર ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ચાબખા માર્યા હતા. તેમણે લખ્યું હતું કે ‘આપ ગુજરાત પધારો છો, ત્યારે આપના સ્વાગત સાથે જણાવું છું કે આપની પોલીસ વડોદરામાં કેટલાય જાગૃત નાગરિકોને રવિવાર (27 ઓક્ટોબર)થી હાઉસ એરેસ્ટ કરીને બેઠી છે . વિશ્વામિત્રીનું પાણી વડોદરામાં આવ્યું અને જે વિનાશ થયો ત્યારે આપ પધાર્યા હોત તો સાચી ખબર પડી હોત’.
આ ઉપરાંત તેમણે કહ્યું છે કે, ‘કુદરતી પાણીના નિકાલના રસ્તા પર દબાણ દૂર કરાવશો અને યોગ્ય વળતર માટે આદેશ કરશો તેવી વિનંતી. આજે ખેડૂતો ખૂબ મોટી મુશ્કેલીમાં છે. ખેડૂત આત્મહત્યા માટે મજબૂર બન્યા છે, ત્યારે યોગ્ય વળતર આપવામાં આવે તે જરૂરી છે. 350 કરોડની ઓગસ્ટ મહિનામાં જે જાહેરાત કરી હતી, એમાં પણ ખેડૂતો સાથે બનાવટ કરવામાં આવી છે . હું માંગ કરું છું કે, સરકાર ઉદાર હાથે ખેડૂતોને, વેપારીઓને, ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવીઓ તથા જેમના ઘરોમાં નુકસાન થયું છે તેવા નાગરિકોને સહાય કરે અને નુકસાન સામે યોગ્ય વળતર આપે. પાક વીમાના નામે પણ ખુબ નુકસાન થયું છે. શા માટે પી.એમ. કિસાન યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યું છે?’
ધરપકડ કરવાનો કાયદો શું છે? એ સમજાવવું તો પડશે
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે એક્સ પર ટ્વિટ કરીને કહ્યું છે કે ‘વડાપ્રધાન અમરેલી આવે છે ત્યારે અમારા એક પછી એક કાર્યકર્તાઓની ધરપકડ થઈ રહી છે. નજરકેદ કરો તો સમજાય પરંતુ ધરપકડ કરવાનો કાયદો શું છે? એ સમજાવવું તો પડશે.’ આ ઉપરાંત તેમણે કાર્યકર્તાઓને જેલના વીડિયો મોકલવા માટે પણ કહ્યું છે.