
ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ ઘટના બાદ તેઓ પહેલીવાર ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી. વડાપ્રધાન મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લોકોએ તેમનું જોરશોરથી સ્વાગત કર્યું. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડોદરા સિંદૂર યાત્રા પૂરી કર્યા બાદ વડાપ્રધાન મોદી દાહોદ પહોંચ્યા છે. ત્યાં તેમણે નવ નિર્મિત રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું અને ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલીઝંડી આપી હતી. વડાપ્રધાન મોદીએ દાહોદમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે ’2014માં આજના દિવસે મેં પ્રથમ વખત PM પદના શપથ લીધા હતા. ગુજરાતના લોકોને ભરપૂર આર્શીવાદ આપ્યા છે, કોઇ ખોટ રાખી નથી. તમારા આશીર્વાદથી જ હું દિવસ રાત દેશવાસીઓની સેવામાં છું. દેશ આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.’ દાહોદમાં વિવિધ યોજનાઓની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘થોડીવાર પહેલાં અહીં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયા છે. જેમાં સૌથી શાનદાર દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરી છે. 3 વર્ષ પહેલાં હું તેનો શિલાન્યાસ કરવા આવ્યો હતો, કેટલાક લોકોને ગાળો દેવાની આદત પડી ગઈ છે. તેઓ કહેતા હતા કે ચૂંટણી આવી તો મોદીજીએ ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો, કંઈ બનવાનું નથી. તેઓ આવું કહેતા હતા, પરંતુ આજે ત્રણ વર્ષ પછી આપણે બધા જોઈ રહ્યા છીએ. આ ફેક્ટરીમાં પહેલું ઇલેક્ટ્રિક લોકોમોટિવ બનીને તૈયાર થઈ ગયું છે.ઉત્પાદનની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આજે આપણે 140 કરોડ ભારતીયો આપણા દેશને વિકસિત ભારત બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. દેશની પ્રગતિ માટે જે કંઈ જરૂરી છે તે ભારતમાં જ બનાવીએ. ભારત ઉત્પાદનની દુનિયામાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આજે આપણે સ્માર્ટ ફોનથી લઈને વાહનો, રમકડાં, લશ્કરી શસ્ત્રો અને દવાઓ જેવી વસ્તુઓ વિશ્વભરના દેશોમાં નિકાસ કરી રહ્યા છીએ. ભારતમાં આજે આધુનિક ગાડીઓ દોડી રહી છે. તેનું એક મોટું કારણ નવી ટેક્નોલોજી અને આપણા દેશની યુવા પેઢી છે.’આ વિસ્તાર માં ભારતીની માનવતાની રક્ષા માટે આપણા તપ અને ત્યાગને દર્શાવે છે. વિચારો જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ જે કર્યું, શું ભારત ચૂપ બેસી શકે? શું મોદી ચૂપ બેસી શકે? ઓપરેશન સિંદૂર કોઈ સૈન્ય કાર્યવાહી નથી. આ આપણા ભારતીયોના સંસ્કારો, આપણી ભાવનાઓની અભિવ્યક્તિ છે. આતંક ફેલાવનારાઓએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે મોદીનો સામનો કરવો કેટલો મુશ્કેલ હોય છે. બાળકોની સામે પિતાને ગોળી ધરબી દીધી. આજે પણ તે તસવીરો જોઈએ છીએ તો લોહી ઉકળી ઉઠે છે. આ 140 કરોડ ભારતીયોને પડકાર હતો, તેથી મોદીએ તે જ કર્યું જેના માટે દેશવાસીઓએ મને પ્રધાન સેવકની જવાબદારી સોંપી. મોદીજીએ પોતાની ત્રણેય સેનાઓને ખુલ્લી છૂટ આપી અને આપણી સેનાએ તે કરી બતાવ્યું જે દુનિયાએ છેલ્લા ઘણા દાયકાઓથી જોયું ન હતું. અમે સરહદ પાર ચાલી રહેલા આતંકના નવ સૌથી મોટા આતંકી ઠેકાણાં, તેમને શોધી કાઢ્યા. હિસાબ-કિતાબ પાક્કો કરી લીધો અને 22 તારીખે જે ખેલ ખેલાયો હતો, છ તારીખની રાત્રે 22 મિનિટમાં અમે તેમને માટીમાં મિલાવી દીધા. પરંતુ જ્યારે પાકિસ્તાની સેનાએ દુસ્સાહસ બતાવ્યું તો આપણી સેનાએ પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડી દીધી.ભાગલા વખતે અલગ થયેલા પાકિસ્તાનનું એકમાત્ર લક્સ્ય ભારત સાથે દુશ્મની અને નફરત છે પરંતુ ભારતનું લક્ષ્ય પોતાને વિકસિત બનાવવાનું, ગરીબી દૂર કરવાનું અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની છે. અમે આ જ દિશામાં કામ કરી રહ્યા છીએ.
વડાપ્રધાન મોદીના ભાષણના મહત્ત્વના મુદ્દા :
- દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બન્યું, એ જ નવતર લાગે.
- છેલ્લા 10-11 વર્ષોમાં ઝડપથી રેલવેમાં પરિવર્તન આવ્યું.
- મેટ્રોનું વિસ્તરણ થયું છે, જ્યારે સેમિ હાઇસ્પીડ રેલવે પણ વિકસી રહી છે.
- દેશમાં લગભગ 70 રૂટ પર વંદેભારત ટ્રેન ચાલી રહી છે.
- દાહોદ માટે મે જે સપનાં જોયા છે તે આજે સાકાર કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે.
- ભારતમાં આદિવાસી જિલ્લો કેવી રીતે વિકાસ પામે તેનું મોડેલ જોવું હોય તો દાહોદ આવે.
કર્નલ સોફિયા કુરેશીના અને શહીદ થયેલા આઠ જવાનોના પરિવાર પણ યાત્રામાં જોડાયા

વડોદરામાં વડાપ્રધાન મોદીનું સ્વાગત–સન્માન કરવા માટે યોજાયેલી સિંદૂર સન્માન યાત્રામાં ભારતીય સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોના પરિવારજનો જોડાયા હતા. આતંકવાદ સામે ભારતની લડાઇની વિગતો સમગ્ર વિશ્વ સમક્ષ મૂકનારા કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો પણ અહીં જોવા મળ્યા હતા. શહીદ સ્વ. મધુકર કદમ, સ્વ. દીપક પવાર, સ્વ. યુસુફ અબ્દુલ નૂરભા ખીલજી, સ્વ. ગોરધનભાઇ રાઠવા, સ્વ. તુલસીભાઇ બારિઆ, સ્વ. દીવકાર દાદુરામ, સ્વ. આરીફ પઠાણ, સ્વ. નીરવ સોનીના પરિવાજનો સિંદૂર સન્માન યાત્રામાં સહભાગી બન્યા હતા. આ ઉપરાંત કર્નલ સોફિયા કુરેશીના પિતા સહિતના પરિવારજનોએ પણ આ યાત્રામાં સામેલ થઇ નારીશક્તિના ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી.