અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાની અમદાવાદ મુલાકાત અંગે ટ્વિટ કરી છે. આ ટ્વિટમાં પીએમ મોદીએ ગુજરાતની એક શાળામાં ભાવિ ચેમ્પિયનને તાલીમ આપવાની કેટલીક મહાન ક્ષણો ટ્વીટ કરી છે. ટ્વીટ્સની શ્રેણીમાં, પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે સમય પસાર કરવા અને તેમને રમતગમત અને ફિટનેસ માટે પ્રોત્સાહિત કરવા બદલ ગોલ્ડન બોય નિરજ ચોપડાની પ્રશંસા કરી છે.
ગોલ્ડન બોયએ 75 શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ શનિવારે ભારતના ટોચના એથલિટને શાળાના બાળકો સાથે જોડાઇને ખુબ જ મહત્વકાંક્ષી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. અમદાવાદની સંસ્કારધામ શાળામાં ગોલ્ડન બોય નીરજ ચોપરાએ 75 શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમા નીરજે તેઓને બેલેન્સ્ડ ડાયેટ, ફિટનેસ અને સ્પોર્ટ્સના મહત્વ અંગે સમજણ આપી હતી.
નીરજ ભૂલકાઓનો પ્રિય બની ગયો હતો
અમદાવાદની સંસ્કારધામ શાળામાં પહોંચેલાં નીરજ ચોપરા વિદ્યાર્થીઓ સાથે વિવિધ પ્રકારની રમતો રમ્યા હતા અને તેમને જેવલિન થ્રોની રમત વિશે કેટલીક ટિપ્સ પણ આપી હતી.