
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ સ્થિતિમાં બનાસકાંઠા,પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરી હતી.આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ‘વડાપ્રધાને ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાઓ અંગેની પણ વિગતો મેળવી હતી.તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આજે (શુક્રવારે) બેઠક યોજવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીએ સરહદી જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં સ્થિતિ અને સતર્કતા સંદર્ભે ચર્ચા કરી હતી. જેમાં કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા એસપી સાથે સમીક્ષા કરી હતી.
લોકજાગૃતિ અભિયાન શરૂ કરવા સૂચના
લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકજાગૃતિ અભિયાન શરૂ કરવા પણ સૂચવ્યું હતું. લોકોને પણ સરકારના વિવિધ વિભાગોના અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવતી સત્તાવાર માહિતી અને સમાચારો અને સૂચનાઓ પર ધ્યાન આપવાનો તેમણે અનુરોધ કર્યો હતો. ખાસ કરીને સરહદી વિસ્તારો કે ગામોમાં કોઈપણ સંદિગ્ધ ગતિવિધિઓ, શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ વિશે માહિતી મળે તો તુરંત જ તંત્ર એલર્ટ મોડ પર રહીને તત્કાલ કાર્યવાહી કરે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.…
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 9, 2025