
તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ઘટનાનો સામે આવી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે આ પ્રકારને હોસ્પિટલ્સ અને ડોક્ટર્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે પાટણ જિલ્લાની હિર ચિલ્ડ્રન હોસ્પિટલ , નિષ્કા ચિલ્ડ્ર્ન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટીઓ અને ગેરરીતિ જણાઇ આવતા PMJAY-મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે જેના અંતર્ગત ગત અઠવાડિયામાં 2 ડિસેમ્બર થી 8 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 5 હોસ્પિટલ અને 2 ડૉક્ટરની ગેરરીતિઓ સામે આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી. દાહોદની સોનલ હોસ્પિટલમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું અને ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરીમાં પણ ઉણપ હોવાનું જણાતા આ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઇ છે. જ્યારે અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ચોથા અને પાંચમાં માળનું બી.યુ. પરમિશન ન હોવાનું, માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડ્યુલર ઓટીનો અભાવ તેમજ કેટલીક એક્ક્ષાપયરી વાળી દવાનો જથ્થો મળી આવતાં આવતા હોસ્પિટલને બી.યુ. પરમીશન ન મળે તેમજ ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાઇ છે. અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટ એક્સપાયર્ડ, તેમજ એન.આઇ.સી.યુ.માં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા જણાઇ ન આવતા આ હોસ્પિટલને પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે તેમજ જણાઇ આવેલ ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે.વધુમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની SAFU ટીમ દ્વારા રાજ્યની અન્ય હોસ્પિટલની પણ મુલાકાત કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાનની હોસ્પિટ્લસની રેકોર્ડ ચકાસણી થઇ રહી છે . આ રેકોર્ડમાં યોજનાની માર્ગદર્શિકાનું ક્યાંય પણ ઉલ્લંધન થતું હશે તો આ હોસ્પિટ્લ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગત ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્ય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયો, રેડિયો, કિમો, નીઓનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા(SOP) બનાવી છે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.