
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ગ્રીનલેન્ડને કબજે કરવા મામલે યુરોપના દેશોએ સપોર્ટ નહીં આપતાં અને બીજી તરફ નોબલ પારિતોષિક નહીં મળતાં પોતે વિશ્વ શાંતીના શુભેચ્છક નહીં બનવાના વિવાદાસ્પદ નિવેદન અને કોર્પોરેટ પરિણામો નબળા નીવડતાં ફંડોએ શેરોમાં ઓફલોડિંગ વધાર્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામ રિટેલ બિઝનેસની નબળી કામગીરી સામે ઓટુસી બિઝનેસના સારા પર્ફોર્મન્સે સાધારણ નીવડતાં તેમ જ આઈસીઆઈસીઆઈ બેંકના નફામાં ઘટાડા તેમ જ ટીસીએસમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની ફરજ પડી રહી હોવાના અહેવાલોની અસરે આજે ફંડો આઈટી, રિલાયન્સ, બેંકિંગ શેરોમાં વેચવાલ રહ્યા હતા. વૈશ્વિક મોરચે ટ્રમ્પની દેશો કબજે કરવાની નહિંતર આકરાં ટેરિફ લાગુ કરવાની દાદાગીરીથી હવે યુરોપના દેશો પણ વિરોધમાં આવી જતાં જીઓપોલિટીકલ ટેન્શન વધવાની આશંકાએ ફંડો ખરીદીના નવા કમિટમેન્ટથી દૂર રહ્યા હતા. સેન્સેક્સ ૩૨૪.૧૭ પોઈન્ટ ગબડીને ૮૩૨૪૬.૧૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૦૮.૮૫ પોઈન્ટ તૂટીને ૨૫૫૮૫.૫૦ બંધ રહ્યા હતા. ફંડોની બેંકિંગ, આઈટી, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી સામે કેપિટલ ગુડઝ, ઓટો શેરોમાં સિલેક્ટિવ ખરીદી રહી હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘોર મંદી છવાયેલી રહી હતી.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિકના ગત શુક્રવારે જાહેર થયેલા પરિણામ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની નબળી કામગીરીના કારણે નફાશક્તિ ભીંસમાં આવતાં, પરંતુ ઓઈલ ટુ કેમિકલ્સ બિઝનેસમાં સારી કામગીરી અને ડિજિટલ બિઝનેસમાં એકંદર મજબૂત કામગીરીના કારણે નફામાં સાધારણ વૃદ્વિ નોંધાતા આજે ફંડોએ શેરમાં મોટી વેચવાલી કરી હતી. શેર રૂ.૪૪.૩૫ તૂટીને રૂ.૧૪૧૩.૨૫ રહ્યો હતો.


