મુંબઈ : શેર માર્કેટના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમણે મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ગત 2-3 સપ્તાહ પહેલા જ તેમને હોસ્પિટલમાંથી રજા મળી હતી. બ્રીચ કેન્ડી હોસ્પિટલે આજે સવારે 6:45 કલાકે દિગ્ગજ કારોબારીના અવસાનની પુષ્ટિ કરી હતી. મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે ઝુનઝુનવાલાનું મૃત્યુ થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. ડોક્ટર્સની ટીમ તેમને બચાવવા માટે સતત પ્રયત્નો કરી રહી હતી. તેમને ગઈકાલે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત ખરાબ રહેતી હતી. રાકેશ ઝુનઝુનવાલા ભારતના વોરેન બફેટ તરીકે પણ પ્રખ્યાત હતા. શેર માર્કેટમાં અઢળક રૂપિયા કમાયા બાદ બિગબુલે એરલાઈન સેક્ટરમાં પણ રોકાણ કર્યું હતું. તેમણે ‘આકાસા એર’ નામની એરલાઈન કંપનીમાં ભારે મોટું રોકાણ કર્યું હતું અને ગત 7મી ઓગષ્ટથી જ કંપનીએ પોતાનું ઓપરેશન શરૂ કર્યું છે. સ્ટોક માર્કેટમાં રોકાણકાર એવા રાકેશ ઝુનઝુનવાલાના નામે આજે હજારો કરોડ રૂપિયાની સંપત્તિ છે. ખાસ વાત એ છે કે, તેમની કારકિર્દીની શરૂઆત માત્ર 5,000 રૂપિયાથી થઈ હતી. આજે તેમની નેટવર્થ આશરે 40 હજાર કરોડ રૂપિયાની છે. આ કારણે જ ઝુનઝુનવાલાને ઈન્ડિયન સ્ટોક માર્કેટના બિગબુલ તથા ભારતના વોરેન બફેટ કહેવામાં આવતા હતા. સામાન્ય રોકાણકારો જ્યારે શેર માર્કેટમાં નુકસાનીમાં હોય ત્યારે પણ ઝુનઝુનવાલા કમાણી કરી લેવામાં સફળ રહેતા હતા.