PM મોદીએ 5G સર્વિસ લોન્ચ કરી

0
8
5G ડિજિટલ કામધેનુ, એ જીવનમાં હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ લાવશે
દિલ્હી-મુંબઈ સહિત 8 શહેરમાં આજથી એરટેલની 5G સર્વિસ, Jio ડિસેમ્બર સુધીમાં દેશભરમાં 5G આપશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબર શનિવારના રોજ 5G સર્વિસ લોન્ચ કરી છે. ભારતને નવી ભેટ મળી છે. નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 5G સર્વિસ લોન્ચ કરી છે. આની શરૂઆત એરટેલ વારાણસીથી અને જિયો અમદાવાદના એક ગામથી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. 5G સર્વિસ લોન્ચ કરતાં ભારત ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશ્યું છે. આજથી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ટેલિકોમ ઉદ્યોગની એક ઈવેન્ટ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની છઠ્ઠી આવૃત્તિ શરૂ થઈ રહી છે, જે 4 દિવસ સુધી ચાલશે. આ ઈવેન્ટમાં પીએમ મોદીએ 5જી સર્વિસ લોન્ચ કરી છે. આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી, સુનીલ મિત્તલ અને કુમાર મંગલમ બિરલા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓએ પણ હાજરી આપી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કાર્યક્રમમાં કહ્યું હતું કે 5G ડિજિટલ કામધેનુ છે. આ ટેક્નોલોજી ભારતીયોના જીવનમાં હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ લાવશે. આનાથી સારી આરોગ્ય સેવા પૂરી પાડવાનું શક્ય બનશે. અંબાણીએ કહ્યું હતું કે Jio દ્વારા ડિસેમ્બર સુધીમાં દેશના દરેક ખૂણે 5G સેવા પહોંચાડવામાં આવશે. જ્યારે ભારતી-એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે દિલ્હી, મુંબઈ અને વારાણસી સહિત દેશનાં આઠ શહેરમાં આજથી 5G સેવા પૂરી પાડવાની જાહેરાત કરી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે કહ્યું હતું કે 13 શહેરમાં રહેતા યુઝર્સને સૌથી પહેલા 5G સર્વિસનો લાભ મળશે. આ શહેરોમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, ચંદીગઢ, બેંગલુરુ, ગુરુગ્રામ, હૈદરાબાદ, લખનઉ, પુણે, ગાંધીનગર, અમદાવાદ અને જામનગર સામેલ છે. આ શહેરો બાદ વર્ષના અંત સુધીમાં અન્ય મોટાં શહેરોમાં પણ 5G સર્વિસ સાથે જોડાયેલ નેટવર્ક તૈયાર થઈ જશે અને યુઝર્સને એનો લાભ મળશે. અત્યારે આપણા સ્માર્ટફોનમાં જે સેલ્યુલર બ્રોડબેન્ડ નેટવર્ક આવી રહ્યું છે એ 4G યાને કે ફોર્થ જનરેશન એટલે કે ચોથી પેઢીનું છે. મોબાઇલ કમ્યુનિકેશન્સની દરેક નવી જનરેશન સામાન્ય રીતે દર 10 વર્ષે બદલાય છે. દરેક નવી પેઢી વધુ મોટા અને પહોળા ફ્રિક્વન્સી બેન્ડનો ઉપયોગ કરે છે અને એટલે જ વધુ માહિતીનું વહન કરી શકે છે. 4G કરતાં 5G ટેક્નોલોજી એકસાથે 100 ગણા વધારે યુઝર્સને એકસાથે સર્વિસ પૂરી પાડી શકે છે. 5G સર્વિસનું ઇન્ટરનેટ પણ 50 Mbpsથી 1,000 Mbpsની ગંજાવર સ્પીડ આપે છે. 5G નો ઉપયોગ કરવા માટે તમારે અત્યારે નવા સિમ કાર્ડની જરૂર નથી. તમે ફક્ત તમારા જૂના સિમ પર જ નવી સેવાનો ઉપયોગ કરી શકશો. જોકે આ માટે તમારા ફોનમાં 5G સપોર્ટ હોવો જરૂરી છે. માત્ર 5G સપોર્ટ જ નહીં, તેના પર એ બેન્ડ્સ હોવા પણ જરૂરી છે, જેના પર સેવા ઉપલબ્ધ થશે. ભારતમાં લોન્ચ કરાયેલા ઘણા મોબાઈલ 5G સ્પેક્ટ્રમ હરાજી પહેલાંના છે. આ સ્થિતિમાં તમારે તમારો ફોન ચેક કરવો જોઈએ કે તમારા ફોનમાં કયા- કયા બેન્ડ ઉપલબ્ધ છે અને કયા બેન્ડ પર તમારા ઓપરેટર સેવા આપશે.ભારતમાં 5G ટેક્નોલોજીની સંભવિતતા દર્શાવવા માટે દેશના ત્રણ મોટા ટેલિકોમ ઓપરેટરો વડાપ્રધાન સમક્ષ એક એક યુઝ કેસનું ડેમોન્સ્ટ્રેશન કર્યું જ્યારે પીએમ મોદી VR અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને રિયલ-ટાઇમમાં કામ પર દેખરેખ રાખવા માટે ડાયસથી લાઇવ ડેમો લીધો. ડ્રોન આધારિત ખેતી, સ્વચાલિત માર્ગદર્શિત વાહનો, સ્માર્ટ એમ્બ્યુલન્સ, સ્માર્ટ-એગ્રી પ્રોગ્રામ્સ અને આરોગ્ય નિદાન જેવી બાબતોનું પણ વડાપ્રધાન સમક્ષ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.