
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં આગેકૂચ ચાલુ રહી હતી. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વિશ્વ બજાર ઉંચકાતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર વધતાં તથા રૂપિયો તૂટતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૧૯૭થી ૪૧૯૮ વાળા વધી ૪૨૧૮ થઈ ૪૨૧૨થી ૪૨૧૩ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સની પીછેહટ વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૫૮.૬૫ વાળા વધી ૫૮.૭૮ થઈ ૫૮.૪૬થી ૫૮.૪૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૧૫૦૦ વધી રૂ.૧૭૬૫૦૦ બોલાયા હતા. ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૨૫૦૦ વધી ગયા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૩૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૨૦૦૦ રહ્યા હતા.


