
બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે. બાદશાહ તેના નવા ગીત ‘ટટીરી’ને લઈને વિવાદમાં આવ્યા છે. હરિયાણા મહિલા આયોગે ગીતમાં વપરાયેલા લિરિક્સ અને વિઝ્યુઅલ સામે વાંધો ઉઠાવ્યો છે. હરિયાણામાં ઘણી જગ્યાએ રેપર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે, અને તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. બાદશાહે હવે આ વિવાદ માટે માફી માંગી છે. ‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને માફી માંગી છે. બાદશાહે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે ગીત ‘ટટીરી’ને લઈને લોકોને થયેલી અસુવિધા બદલ માફી માંગી હતી. તેણે કહ્યું, “મારું નવું ગીત રિલીઝ થયું છે અને હું જોઉં છું કે તેના એક ભાગમાં મારા લિરિક્સ અને વિઝ્યુઅલના કારણે જે સંદેશ આપવામાં આવ્યો છે તેનાથી ઘણા લોકોની ખાસ કરીને મારા રાજ્ય હરિયાણાના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે.”બાદશાહે કહ્યું કે, “સૌ પહેલા હું એ કહેવા માંગુ છું કે હું પોતે હરિયાણાનો છું. જે લોકો મને ઓળખે છે તેઓ જાણે છે કે મારી બોલી, ખાન-પાનની ટેવ, જીવનશૈલી, મારી ઓળખ, બધું જ હરિયાણાનું છે. હું ગર્વથી હરિયાણવી છું. હરિયાણાના કોઈપણ બાળક કે મહિલા વિશે આવી અભદ્ર વાતો કહેવાનો મારો ક્યારેય કોઈ ઇરાદો નહોતો. હું પોતે હિપ-હોપ ઝોનર છું. ગીતના લિરિક્સ ક્યારેય કોઈ સ્ત્રી કે બાળક માટે નહોતા અને હું ક્યારેય આવું કંઈ કરીશ નહીં.” વધુમાં બાદશાહે જણાવ્યું કે, ‘મે હંમેશા હરિયાણાના કલ્ચરને આગળ વધારવાની કોશિશ કરી છે. જો આ ગીતથી જો કોઈની ભાવનાને ઠેસ પહોંચી છે તો હું માફી માંગુ છુ. હું આશા રાખુ છુ કે, તમે મને હરિયાણાનો દીકરો સમજીને માફ કરો.’


