નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડ કેસમાં ED બુધવારે ત્રીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરી રહી છે. સોનિયાની 21 જુલાઈએ 3 કલાક અને 26 જુલાઈએ 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. સોનિયાની પૂછપરછને લઈને કોંગ્રેસ આજે ફરી દેશભરમાં પ્રદર્શન કરશે.ઈડીના સૂત્રોને ટાંકીને કહ્યું કે પૂછપરછ દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું- કોંગ્રેસ, એસોસિયેટ જર્નલ અને યંગ ઈન્ડિયન સાથે સંબંધિત તમામ વ્યવહારો ભૂતપૂર્વ ખજાનચી મોતીલાલ વોરા સંભાળતા હતા. ED સૂત્રોએ જણાવ્યું કે 2 દિવસની પૂછપરછમાં સોનિયા ગાંધીને 75 સવાલ પૂછવામાં આવ્યા છે. પ્રથમ દિવસે 25 જેટલા સવાલ પૂછવામાં આવ્યા હતા.મંગળવારે દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના 50 સાંસદોની અટકાયત કરી હતી. સોનિયાની પૂછપરછ પૂરી થયા બાદ આ સાંસદોને છોડી દેવામાં આવ્યા હતા. સંસદ નજીક વિજય ચોક ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન તમામ સાંસદોની અટકાયત કરવામાં આવી હતી. કસ્ટડીમાં લીધા બાદ રાહુલે કહ્યું- દેશને પોલીસ સ્ટેટ બનાવી દેવામાં આવ્યો છે.કોંગ્રેસે સોનિયા ગાંધીની EDની પૂછપરછને ધ્યાનમાં રાખીને કોંગ્રેસનાં મુખ્ય કાર્યાલય ખાતે તમામ મોટા નેતાઓની બેઠક બોલાવી છે. સાથે જ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં સંસદભવનમાં સાંસદોની બેઠક પણ યોજાશે. એક વર્ષથી વધુ સમય બાદ ગુલામ નબી આઝાદ 24 અકબર રોડ પર પ્રેસ કોન્ફરન્સ કરશે. આઝાદને કોંગ્રેસના G-23 જૂથના નેતા માનવામાં આવે છે અને તેઓ 2019ની ચૂંટણીથી નારાજ ચાલી રહ્યા છે.કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં કામકાજ સ્થગિત કરવાની નોટિસ આપી છે. ગોહિલે નોટિસમાં જણાવ્યું છે કે તપાસ એજન્સી વિરોધ પક્ષો સામે બદલાની ભાવનાથી કાર્યવાહી કરી રહી છે. મંગળવારે વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસને દિલ્હી પોલીસના કેટલાક કર્મચારીઓએ તેમના વાળ ખેંચીને માર માર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શનમાં આવી ગયા હતા. પોલીસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.